તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 2nd June 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત - શ્રેષ્ઠ ભારત” સંકલ્પને સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં ભવ્યતાપૂર્વક સંપન્ન થયો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમાપન સમારોહમાં હાજરી આપી 1 હજારથી વધુ લોક કલાકારોના પરંપરાગત નૃત્યોને બિરદાવ્યા :: “વિરાસત ભી, વિકાસ ભી”નો ધ્યેય પાર પાડવાના પ્રયાસને સરાહનીય ગણાવ્યો

અમદાવાદ, 2 જૂન: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ “એક ભારત - શ્રેષ્ઠ ભારત” સંકલ્પનાને સાકાર કરતા, અમદાવાદમાં યોજાયેલો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ ભવ્ય આયોજનમાં દેશભરના રાજ્યોમાંથી આવેલા 1 હજારથી વધુ લોક કલાકારોએ પોતાના પારંપારિક લોકનૃત્યો અને લોકકલાની અદભૂત પ્રસ્તુતિ કરીને ખરેખર ભારતની વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ કાર્નિવલના સમાપન સમારોહમાં સહભાગી થઈને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા અને વિવિધ કલા પ્રસ્તુતિઓનો મનભરીને આનંદ માણ્યો હતો. તેમણે આ ઇન્ડિયન ફોક કાર્નિવલને, પરંપરાગત લોકકલાને આધુનિક આયામો સાથે નવી પેઢી સુધી પહોંચાડવાના એક સરાહનીય પ્રયાસ તરીકે બિરદાવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “વિરાસત ભી, વિકાસ ભી”ના ધ્યેયને પાર પાડનારું પ્રસંશનીય આયોજન ગણાવ્યું હતું.
લોકકલા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી અમદાવાદમાં આ ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના 1 હજારથી વધુ લોક કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આપણી ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ ધરાવતી લોકકલાને મલ્ટીમીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે આ અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ ભવ્ય આયોજન માટે લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્નિવલમાં પહેલા દિવસે ગુજરાતના વિવિધ લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યોની કલા પ્રસ્તુતિઓએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્નિવલના દિવસો દરમિયાન બે વર્કશોપ, બે આર્ટ ગેલેરી, 10થી વધુ એવોર્ડ્સનું વિતરણ, અને 1 હજારથી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રદેશોના 50થી વધુ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જે કલાપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો.
પાંચ હજારથી પણ વધુ લોક કલાકારો સાથે જોડાણ ધરાવતું લોકકલા ફાઉન્ડેશન, આવા તળના કલાકારોની ટોચની કળાને વિશ્વ સમક્ષ પીરસવાનું એક વિશાળ મંચ પૂરું પાડે છે. આ ફાઉન્ડેશન દેશ-વિદેશમાં લોકકલા મંચન માટેનું એક અભિન્ન પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે.
અમદાવાદમાં યોજાયેલા આ ઇન્ડિયન ફોક કાર્નિવલના ત્રીજા અને અંતિમ દિવસના સમાપન સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રીથી સન્માનિત વિખ્યાત લોક કલાકાર ભીખુદાનભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મોટી સંખ્યામાં લોકકલાકારો, કલાજગત સાથે સંકળાયેલા લોકો તથા કલાપ્રેમીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
