<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ગુજરાતમાં મેડિકલ શિક્ષણ મોંઘુંદાટ : MBBS-MD કોર્સમાં ફીમાં 8 થી 12% નો તોતિંગ વધારો ઝીંકાયો! ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા આગામી બે વર્ષ માટે નવી ફીનું માળખું જાહેર

નમો મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટા ફીમાં સૌથી વધુ ₹2.76 લાખનો વધારો : આગામી ત્રણ વર્ષ માટે નવું માળખું જાહેર થતા વાલીઓના ખિસ્સા પર પડશે સીધી અસર

 

ગાંધીનગર, 2 જૂન, 2025: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં મેડિકલ અને ડેન્ટલ સહિતના NEET આધારિત કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટો આર્થિક ફટકો પડે તેવી જાહેરાત કરવામાં આવી છે. ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા સ્વનિર્ભર મેડિકલ અને પેરામેડિકલ કોલેજોમાં વર્ષ 2025-26 થી લઈને આગામી બે વર્ષ માટે નવી ફીનું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં ફીમાં 8 થી 12 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
આ ફી વધારો અંડર ગ્રેજ્યુએશન એટલે કે MBBS ની 19 કોલેજો અને પોસ્ટ ગ્રેજ્યુએશન MD-MS ની 10 કોલેજોમાં લાગુ પડશે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે, મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ હવે વધુ ફી ભરવા માટે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે. જુદી જુદી કોલેજના સરકારી ક્વોટાની ફીમાં સરેરાશ 1 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં સરેરાશ દોઢ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
નમો મેડિકલ કોલેજમાં સૌથી મોંઘો મેનેજમેન્ટ ક્વોટા:
FRC દ્વારા મેડિકલ કોલેજોની બે વર્ષ માટે ફી વધારો મંજૂર કરાયો છે, જેમાં અમદાવાદ મનપા સંચાલિત નમો મેડિકલ કોલેજ ની મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં સૌથી વધુ વધારો મંજૂર થયો છે. નમો મેડિકલ કોલેજને મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફીમાં ₹2.76 લાખનો તોતિંગ વધારો આપવામાં આવ્યો છે. આ વધારા સાથે, નમો મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી ₹23 લાખથી વધીને ₹25.76 લાખ થઈ ગઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ ફીમાંનો એક વધારો છે.
દર ત્રણ વર્ષે ફી નિર્ધારણનો નિયમ અને કોરોનાકાળની અસર:
ગુજરાત રાજ્યની સ્વનિર્ભર મેડિકલ અને પેરામેડિકલ કોલેજોમાં સામાન્ય રીતે દર ત્રણ વર્ષે ફી નક્કી કરવામાં આવતી હોય છે. અગાઉ વર્ષ 2018માં ફીનું માળખું નક્કી કરાયું હતું અને ત્યારબાદ વર્ષ 2021માં ફી નક્કી કરવામાં આવી હતી. ફી કમિટીના સૂત્રો અનુસાર, 2021માં કોરોનાકાળ ચાલતો હોવાથી અને કોલેજોના આવક-જાવકના હિસાબો પૂરતા ન હોવાને કારણે, 2018ની ફીમાં કોઈ વિશેષ વધારો કરવામાં આવ્યો નહોતો.
ગત વર્ષે, કોરોનાકાળ પછી કોલેજોના હિસાબો પૂરતા ન હોવાને કારણે માત્ર એક જ વર્ષની ફી નક્કી કરવામાં આવી હતી, અને ત્યારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આગામી વર્ષે હિસાબોની ચકાસણી બાદ આગળના વર્ષની ફી નક્કી કરાશે. જેના અનુસંધાનમાં, ફી કમિટી દ્વારા હાલમાં આગામી ત્રણ વર્ષ માટે નવી ફીની જાહેરાત કરી દેવામાં આવી છે. ફી કમિટીએ 7 ટકા ફુગાવો અને 5 ટકા વહીવટી ખર્ચ નક્કી કરીને કુલ 12 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે.
આમ, કુલ 8 થી લઈને 12 ટકા જેટલો વધારો મેડિકલ કોલેજોની ફીમાં કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આગામી ત્રણ વર્ષ માટે ફી નક્કી કરવામાં આવી હોવાથી દર વર્ષે 12 ટકા જેટલો વધારો કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ચાલુ વર્ષે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ ગત વર્ષ કરતા અંદાજે 12 ટકા વધારે ફી ભરવાની તૈયારી રાખવી પડશે, જોકે તેઓ આગામી ચાર વર્ષ સુધી એક સરખી ફી ભરશે. પરંતુ, આગામી વર્ષે (2026) માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ હાલની ફી કરતા 12 ટકા વધારે, અને છેલ્લા એટલે કે વર્ષ 2026-27 માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ વધુ 12 ટકા ફી ભરવાની તૈયારી રાખવી પડશે. આ ફી વધારો મધ્યમવર્ગીય પરિવારો માટે મેડિકલ શિક્ષણને વધુ મોંઘુ બનાવશે.

(4:18 PM IST)