<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રાજપીપળા વડ ફળીયામાં 150 વર્ષ જૂના વડનું વૃક્ષ જોખમી છતાં તંત્ર આળસ ખંખેરતું નથી

સ્થાનિક મહિલાએ એક વર્ષથી રજૂઆત કરવા છતાં ખોખોની રમત રમતા અધિકારીઓ: હાલમાં ખતરનાક વાવાઝોડું આવ્યું અને હજુ આગાહી છે ત્યારે આ વડ પડે અને જાનહાનિ સર્જાય તેવી સંભાવના છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરના વડ ફળીયા વિસ્તારમાં જૂના વડનું વૃક્ષ જોખમી હોય અને તેની છટણી કરવા સ્થાનિક મહિલાએ તંત્રને રજૂઆત કરવા છતાં એક વર્ષથી કોઈજ કામગીરી કરાઇ નથી તો શું કોઈના ભોગની રાહ જોવાઈ છે..?

વડ ફળીયામાં રહેતા હીનાબેન કુરેશી એ એક વર્ષ પહેલા વીજ કંપની, પાલિકામાં જોખમી વડના ડાળખાં કાપવા રજૂઆત કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓ એક બીજા પર ટોપલા ઢોળી ખોખોની રમત રમતા હોય તેમ કોઈજ કામગીરી થઈ નથી અને હાલમાં ચોમાસુ આવવાની તૈયારી છે અને આ વડનું તોતિંગ વૃક્ષ પણ હાલતું હોય માટે વરસાદ અને વાવાઝોડા માં જોખમી જણાઈ છે. આમ તો વીજ કંપની દર ચોમાસા પહેલા પ્રિ.મોન્સુન કામગીરી કરે છે અને ત્યારે બધા વિસ્તારો માં નડતા ઝાડના કટીંગ પણ કરે છે પરંતુ વડ ફળીયા ના આ ઝાડ ની હજુ સુધી કોઈજ કામગીરી કરાઈ નથી.
અરજદાર હીનાબેન કુરેશી ના જણાવ્યા મુજબ એક વર્ષ થી મે અરજી આપી છે પણ કોઈ જોવા આવ્યું નથી અને હાલમાં આ ઝાડ ભરચક વસ્તીમાં જોખમી રીતે ઊભું હોય જો વાવાઝોડું આવે અને ઝાડ તૂટી પડે તો આસપાસ રહેતા લોકો માટે જોખમી છે તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ..?
જોકે આ બાબતે અમે વીજ કંપની ના ઇજનેર સાથે વાત કરી તો અરજી ના એક વર્ષ બાદ તેમણે કહ્યું કે આ જવાબદારી વન વિભાગ ની છે અમે તો ઝાડ કટીંગ કરે ત્યારે વીજ પૂરવઠો બંધ કરવા અને ત્યાં અમારા કર્મચારી મૂકવા બંધાયેલા છે.જોકે આજરોજ અરજદાર હીનાબેન વનીકરણ વિભાગમાં અરજી આપવા ગયા પરંતુ ત્યાંના અધિકારી એ અમારા માં ઝાડ કટીંગ ના આવે તમે પાલિકા માં જાવ કહી અરજી ના સ્વીકારી. આમ એક વર્ષથી ધક્કે ચઢેલા આ અરજદાર નો જાયે તો કહા જાયે જેવા ઘાટ થયો છે. ત્યારે ચોમાસા પહેલા આ જોખમી વૃક્ષ ની છટણી કોણ કરે છે એ જોવું રહ્યું


 

(11:20 PM IST)