<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

વડોદરાના માંજલપુર વિસ્તારમાં દુર્ઘટના : માત્ર 10 મહિનાની બાળકી પર ટાઇલ્સ પડવાથી મોત

કામની જગ્યા પર સેફ્ટીના સાધનોનો અભાવ: ઘટના બન્યા બાદ કોન્ટ્રાક્ટર અશોકભાઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા

વડોદરા :શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વુડ્સ વિલા બંગ્લોઝમાં ટાઈલ્સ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક અત્યંત કરુણ ઘટના બની છે. માત્ર 10 મહિનાની માસુમ બાળકી રિદીયા નિનામા પર ટાઇલ્સ પડવાથી તેનું મોત થયું છે. જ્યારે રિદીયાના માતા-પિતા કામ કરી રહ્યા હતા, ત્યારે આ નિર્દોષ બાળકી પર અચાનક ટાઈલ્સ પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. રિદીયાની સાથે અન્ય એક બાળકને પણ ઈજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

કામની જગ્યા પર સેફ્ટીના સાધનોનો અભાવ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. બાળકીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘટના બન્યા બાદ કોન્ટ્રાક્ટર અશોકભાઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક બાળકીના પિતરાઈ કાકા રાજેશભાઈ અને બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમને ન્યાય મળવો જોઈએ અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી પ્રસરાવી છે. પરિવારજનો શોકમાં ગરકાવ થતા અને ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.

(12:52 AM IST)