<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

પ્રજાપતિ-કુંભાર સમાજને ઓ.બી.સી.સર્ટિફિકેટ કઢાવવામાં પડતી મુશ્કેલી હવે દૂર થશે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ દ્વારા પ્રમાણપત્ર કાઢી આપતા રાજ્યના તમામ અધિકારીઓને પત્ર લખી યોગ્ય કરવા સુચના આપી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૩ : સામાજિક અને અધિકારીતા વિભાગના અધિક સચિવ દ્વારા કુંભાર અને પ્રજાપતિ સમાજના લોકોને ઓ.બી.સી.સર્ટિફિકેટ કઢાવવા પડતી મુશ્કેલી સામે રાજ્યના સર્ટિફિકેટ કાઢી આપતા તમામ અધિકારીઓને લેખિત પત્ર આપી વિસંગતાઓ અંગે જાણ કરી મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય કરવા સુચના આપી છે.

 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ કે.જી. વણઝારા દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના સંદર્ભમાં ભારત સરકાર હેઠળના અનામત લાભ માટેની અન્ય પછાત વર્ગોની કેન્દ્રીય યાદીમાં ક્રમાંક 84 સામે કુંભાર કે પ્રજાપતિ જાતિ જેમાં કુંભાર (પ્રજાપતિ,વરિયા) પ્રજાપતિ (ગુજ્જર પ્રજાપતિ,વરીયા પ્રજાપતિ અને સોરઠીયા પ્રજાપતિ)સોરઠીયા પ્રજાપતિ સ્વરૂપે દર્શાવેલ છે રાજ્ય સરકાર હેઠળના અનામતના લાભ માટેની રાજ્યની યાદીમાં ક્રમાંક 89 સામે કુંભાર કે પ્રજાપતિ જાતિ સમૂહને કુંભાર (બીયાર,કદરા પટેલ, લાઠીયા,પોટમેકર પ્રજાપતિ,વરિયા, વરીઆ)સોરઠીયા કુંભાર,ગુર્જર કુંભાર,વાટલીયા કુંભાર,પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ,ગુર્જર પ્રજાપતિ, વાટલીયા પ્રજાપતિ,ગુજ્જર ક્ષત્રિય કડિયા,કડિયા કુંભાર,ક્ષત્રિય કડિયા "કડીયા" સ્વરૂપે દર્શાવેલ છે.

ભારત સરકારની અને રાજ્ય સરકારની બંને યાદીઓ જોતા જણાશે કે ભારત સરકારની કેન્દ્રીય યાદીમાં કુંભાર અથવા પ્રજાપતિ અલગથી દર્શાવેલ નથી તેની સાથે કે કૌંસ માં અન્ય પર્યાય વાહી શબ્દો જોડેલા છે જ્યારે રાજ્ય સરકારની યાદીમાં કુંભાર અથવા પ્રજાપતિ અલગથી દર્શાવેલ છે.

આ પરિસ્થિતિમાં ભારત સરકાર હેઠળના અનામત હેતુ માટે ગુજરાતમાં આ જાતિના અરજદારો કે ઉમેદવારોના શાળા રેકર્ડ કે મહેસુલી રેકર્ડમાં જ્યાં ફક્ત કુંભાર અથવા પ્રજાપતિ લખેલું હોય ત્યારે જાતિ કે બિન ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં આ સમાજના લોકોને મુશ્કેલી ઊભી થતી હોય છે જેમાં કેટલાક અધિકારીઓ પ્રમાણપત્ર આપે છે જ્યારે કેટલાક અધિકારીઓ પ્રમાણપત્રો કાઢી આપતા નથી હોતા જેના લીધે આ સમાજના અરજદારો અને વિદ્યાર્થીઓ મળવા પાત્ર મૂળભૂત બંધારણીય અધિકારોથી વંચિત રહી જાય છે.

રાજ્યમાં અવારનવાર ઊભી થતી આવી પરિસ્થિતિઓ અને ફરિયાદોના નિવારણ માટે ભારત સરકાર હેઠળના અનામતના હેતુ માટે અધિકૃત કરાયેલ તમામ મહેસૂલી અધિકારીઓને અધિક સચિવ દ્વારા પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર હેઠળની અન્ય પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક 84 આગળ કુંભાર અથવા પ્રજાપતિ જાતિનો જે પણ સ્વરૂપે ઉલ્લેખ કર્યો હોય તેમ છતાં જે કિસ્સાઓમાં અરજદારો અને વિદ્યાર્થીઓના શાળા કે મહેસુલની રેકર્ડમાં ફક્ત કુંભાર અથવા ફક્ત પ્રજાપતિ નોંધ કે લખાણ હોય તો પણ ભારત સરકાર હેઠળના અનામત હેતુ માટે જાતિ તેમજ બિન ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર કાઢી આપવા પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સૂચનાઓથી ભારત સરકારની યાદીમાં કોઈ નવી જાતિ કે નવો પર્યાય વાઈ શબ્દ ઉમેરાતો નથી.

અધિક સચિવ દ્વારા વિસંઞતાઓ દુર કરાતા હવે "કુંભાર" કે "પ્રજાપતિ" સમાજના લોકોને ઓ.બી.સી.પ્રમાણપત્ર કઢાવવામાં પડતી મુશ્કેલી દુર થશે.

(9:08 AM IST)