<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ગુજરાતના હસ્તકલા-હાથશાળ ઉદ્યોગનો જયજયકાર : ૩ વર્ષમાં ૨૪ હજાર કારીગરો દ્વારા ₹૧૨૪ કરોડથી વધુનું વેચાણ!

ઇન્ડેક્સ-સી દ્વારા ૨૩૪ મેળા-પ્રદર્શનોનું આયોજન : કચ્છની એમ્બ્રોડરી, પાટણના પટોળા સહિત ૨૮ ઉત્પાદનોને 'GI' ટેગ : વડોદરા - રાજકોટમાં કાયમી હાટ બનશે

ગાંધીનગર, તા. ૩ જૂન, ૨૦૨૫: ગુજરાતમાં હાથશાળ અને હસ્તકલા ઉદ્યોગ ધમધમી રહ્યો છે! રાજ્ય સરકારના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ કાર્યરત 'ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ' એટલે કે ઇન્ડેક્સ-સી (Indext-C) દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં હાથશાળ-હસ્તકલાના કારીગરો અને તેમના ઉત્પાદનોને જબરદસ્ત વેગ મળ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ એમ ત્રણ વર્ષમાં કુલ ૨૪,૬૮૯ જેટલા કારીગરો દ્વારા ₹૧૨૪ કરોડ કરતાં વધુ કિંમતની વિવિધ વસ્તુઓનું ગુજરાત સહિત દેશભરમાં સફળતાપૂર્વક વેચાણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને કુટિર-ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વ હેઠળ, ઇન્ડેક્સ-સી દ્વારા આ ત્રણ વર્ષના ગાળામાં કુલ ૨૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૈકી, ગુજરાતમાં કાર્યરત ઇન્ડેક્સ-સી, અમદાવાદ હાટ, ભુજ હાટ અને બોપલ હસ્તકલા હાટ દ્વારા ૨૦૫ મેળા-પ્રદર્શન યોજીને ૨૧,૩૧૮ કારીગરો થકી ₹૯૯ કરોડ કરતાં વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ નોંધાયું હતું. તેવી જ રીતે, રાજ્ય બહાર મૈસુર, હૈદરાબાદ, પ્રયાગરાજ, ભોપાલ, ઇન્દોર, દિલ્હી, મુંબઈ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં યોજાયેલા ૨૯ મેળા-પ્રદર્શન થકી ૩,૩૮૦ જેટલા કારીગરો દ્વારા ₹૨૫.૮૭ કરોડ કરતાં વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ થયું હતું.
કારીગરોને પ્રોત્સાહન અને 'GI' ટેગનો દબદબો:
ગુજરાત સરકારે હાથશાળ-હસ્તકલા અને ખાદી ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. આ અંતર્ગત, કારીગરોને આર્ટીઝન કાર્ડ આપવા, ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા મેળા-પ્રદર્શનો અને કાયમી હાટ સ્થાપવા, રાજ્ય સન્માન અને પારિતોષિત આપવા, કૌશલ્ય વિકાસ તાલીમ અને ટૂલ કીટ વિતરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે.
રાજ્યની જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને રજૂ કરતી અનેક અનોખી વસ્તુઓને વૈશ્વિક ઓળખ મળી છે. અત્યાર સુધીમાં કચ્છની એમ્બ્રોડરી, જામનગરી બાંધણી, પાટણના પટોળા, ઘરચોળું, સંખેડાનું ફર્નિચર, ટાંગલીયા શાલ, સુરતનું ઝરીકામ, વરલીની ચિત્રકળા, પીઠોરા, માતાની પછેડી, કચ્છની રોગન ક્રાફ્ટ, કચ્છની બાંધણી, ગુજરાત સુફ ભરતકામ, અમદાવાદના સોદાગરી બ્લોક પ્રિન્ટ, સુરતની સાડેલી ક્રાફ્ટ, ભરૂચની સુજની અને કચ્છની અજરખ જેવી કુલ ૨૮ જેટલી હાથશાળ-હસ્તકલા વસ્તુઓને 'GI' (ભૌગોલિક સંકેત) ટેગ પ્રાપ્ત થયો છે. આનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન અને કારીગરોને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે.
વર્ષ ૨૦૨૩માં હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ૧૧ કારીગરોને 'ક્રાફ્ટવાઇઝ એવોર્ડ' થી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
ભવિષ્યની યોજનાઓ: કાયમી હાટ અને પી.એમ. એકતા મોલ:
ઇન્ડેક્સ-સી દ્વારા હાલમાં વડોદરા, સિદ્ધપુર, રાજકોટ ખાતે કાયમી હાટની સ્થાપના તેમજ સુરત ખાતે પી.એમ. એકતા મોલ શરૂ કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ્સ હાથશાળ-હસ્તકલાના કારીગરોને તેમની ઉત્પાદિત ચીજવસ્તુઓ સીધા ગ્રાહકોને વેચી શકે તે માટે વધુ બજાર પ્લેટફોર્મ પૂરું પાડશે. રાજ્ય સરકારના આ પ્રયાસો અંતરિયાળ ગામડાંના વંશપરંપરાગત કલાને જીવંત રાખી, ગુજરાતના ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ કલા-વારસાને ઉજાગર કરવામાં મદદરૂપ થશે.

 

(1:13 PM IST)