News of Tuesday, 3rd June 2025
E-KYC ૧૦૦ ટકા પૂર્ણ થયા બાદ જ સસ્તા અનાજના દૂકાનદારો વિતરણ કરશેઃ મુખ્યમંત્રીને રજૂઆત
ગ્રાહકો-ડીલરો તકરાર જામ છેઃ વિવિધ માંગણીઓ અંગે પણ સીએમનું ધ્યાન દોરાયું

(ભરત શાહ દ્વારા) નર્મદા, તા.૩: નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં ઈ કેવાયસી ૧૦૦% ટકા પૂર્ણ થયા બાદ જ વિતરણ વ્યવસ્થા શરૂ કરવા અંગે ગુજરાત રાજ્યના fps એસોસિએશનના પ્રમુખ અને પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે.
આ રજૂઆત માં જણાવ્યા મુજબ ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત દર માસે એન. એફ. એસ. એ. તથા બી.પી.એલ. અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને નિર્ધારિત આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ રેશન શોપ ડીલરો મારફતે કરવામાં આવે છે. જેની સામે નક્કી કરેલ દરેક ડીલરો ને કમિશન ચૂકવવાની પદ્ધતિ અમલી છે.
હાલમ ઈ-કે.વાય.સી.ની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં જે કાર્ડના પરિવાર સભ્યોના અગમ્ય કારણોસર ઈ-કેવાયસી થઈ શકયા નથી તેવા સભ્યોનો મળવાપાત્ર જથ્થો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાતા ગ્રાહકો અને રેશન ડીલરો ઉપર આક્ષેપો - પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. માટે જ્યાં સુધી સો ટકા ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહકોનો જથ્થો પૂર્વવત સ્થિતિ મુજબ મળવો જોઈએ, ગ્રાહકોના અનાજ પ્રાપ્તિના હક્કો ગુમાવવાની સાથે સાથે, રેશન ડીલરોને પોતાના કમિશનની આવકમાં પણ ઘટાડો થાય છે. જે આજની મોંઘવારીમાં યોગ્ય નથી. તથા અન્ય પડતર માંગણીઓની લાંબા સમયથી આશ્વાસન મળેલ છે પણ તો વાસ્તવિક રૂપે ઉકેલ આવેલ ન હોય રાજ્ય સરકાર ને ૩૦/૫/૨૦૨૫ ના રોજ આપેલ પત્ર મુજબ પહેલી જૂન-૨૦૨૫થી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાનુ પણ સર્વાનુંમતે નક્કી કર્યું હતું. જે હવે પછી નવો જથ્થો મળે ત્યારે અમલ થશે.
નિયમોનુસાર કોઈપણ ગ્રાહકને અનાજથી વંચિત ના રાખી શકાય અને સરકારની જવાબદારી છે કે તેમના કર્મચારીઓ મારફતે ઘરે ઘરે જઈ ઈ.કેવાયસી કરવાનું છે જે બાબતે તંત્રના અધિકારીઓ ધ્યાન નહીં આપતા કેટલાય ગ્રાહકોના ઈ.કેવાયસી બાકી રહી ગયા હોય જે સરકારની ભૂલ છે. માટે ૧૦૦ ટકા ઈ.કેવાયસી પૈકી બાકી રહેલા ઇ.કેવાયસીની કામગીરી પૂર્ણ કરી અનાજનો જથ્થો વિતરણ કરે એ જરૂરી છે. છતાં તંત્ર દ્વારા ગ્રાહકોને ઇ.કેવાયસી બાકી છે માટે અનાજ નહીં આપવાની વાતે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે તકરાર થાય છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
