<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મહિલાનું માત્ર ૮૬ રૂપિયા વીજ બિલ બાકી હતું અને કનેક્‍શન કાપી મીટર કાઢી ગયા

વડોદરા તા.૩: મધ્‍ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે જય મહાકાળી નગરમાં એક મહિલાનું માત્ર ૮૬ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી તેનું વીજ કનેક્‍શન કાપી નાંખ્‍યું છે. એટલું જ નહીં, કંપનીના કર્મચારીઓ તેનું મીટર કાઢીને પણ લઈ ગયા છે. અકોટા પોલીસ લાઈન પાસે આવેલા જય મહાકાળી નગરમાં શશીકલાબેન તેમની પુત્રી સાથે રહે છે. મહાકાળી નગર ઝૂંપડપટ્ટી વિસ્‍તાર છે. આ મહિલા બહારગામ હોવાથી બે મહિના આ ઘર બંધ હતું.

શશીકલાબહેને જણાવ્‍યું કે, મારું માત્ર ૮૬ રૂપિયા બિલ બાકી હતું. અત્‍યાર સુધી અમે નિયમિત બિલ ભરેલું જ છે, જેમનું પંદરથી વીસ હજારનું વીજ બિલ બાકી છે તેમનું કનેક્‍શન કાપતા નથી અને અમારા જેવા નું માત્ર ૮૬ રૂપિયા બાકી હોય તેનું કનેક્‍શન કાપી નાખે છે. આ કયાંનો ન્‍યાય? અમે કોની પાસે જઈએ? હવે ૮૬ રૂપિયા બિલ ભરવા જઈશ ત્‍યારે ફરી કનેક્‍શન અને મીટર જોડવાના મારે પૈસા ભરવાના થશે તેનું શું?

(3:02 PM IST)