તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ગાંધીનગરમાં 'આરોગ્ય સમીક્ષા કેન્દ્ર' તૈયાર : ૫ જૂને મંત્રી ઋષિકેશભાઈ પટેલ લોકાર્પણ કરશે
આરોગ્ય સેવાઓનું એક છત્ર હેઠળ મોનિટરિંગ અને સમીક્ષા : ૧૦૪ હેલ્પલાઈન અને PMJAY કોલ સેન્ટર પણ કાર્યરત : અંતરિયાળ વિસ્તારોના લોકોને લાભ મળશે

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના રાજ્ય સરકારના સતત પ્રયાસોના ભાગરૂપે ગાંધીનગર ખાતે અત્યાધુનિક *'આરોગ્ય સમીક્ષા કેન્દ્ર'*નું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ કેન્દ્રનું આગામી ૫મી જૂનના રોજ ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આ નવનિર્મિત કેન્દ્ર રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી તમામ આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા કરી શકશે. આરોગ્ય વિભાગની વિવિધ શાખાઓ દ્વારા અમલીકૃત કાર્યક્રમો/સેવાઓનું અહીંથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકો સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ત્વરિત ફીડ-બેકનું માળખું અત્યંત અસરકારક સાબિત થશે.
૧૦૪ હેલ્પલાઈન અને PMJAY કોલ સેન્ટર પણ કાર્યરત:
આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં લોકોના આરોગ્યલક્ષી પ્રશ્નો અને જરૂરિયાતો માટે હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) સંબંધિત હેલ્પલાઈન પણ આ કેન્દ્રથી જ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા દર્દીલક્ષી ફીડબેક ફોન પણ કરવામાં આવશે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં શું કામગીરી થશે?
* સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ: આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો-યોજનાઓના અસરકારક અમલ માટે તમામ પ્રોગ્રામોના ડેટાબેઝના ડેશબોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતેથી મોનિટરિંગ કરી શકાશે.
* ત્વરિત ફીડ-બેક અને સંવાદ: જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓને ત્વરિત ફીડ-બેક આપી આરોગ્ય સેવાઓના અમલીકરણમાં રહી ગયેલી કામગીરીને ઓળખીને ઝડપી ગુણાત્મક સુધારો કરવા માટે ઓડિયો-વિઝ્યુઅલ વ્યવસ્થા દ્વારા સરળતાથી સંવાદ સાધી શકાશે.
* કટોકટી વ્યવસ્થાપન: કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ જેવી વિપરીત પરિસ્થિતિઓમાં રાજ્યના તમામ જિલ્લાઓને રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા ઓડિયો-વિઝ્યુઅલ પરામર્શ થકી નીતિવિષયક નિર્ણયો અને અમલવારીની જાણ કરી ત્વરિત અમલીકરણ કરાવી શકાશે.
* કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા: દૂર-સુદૂર અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યસેવાઓ તેમજ રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓનો સીધો જ સંપર્ક કરીને તેમને આરોગ્ય સેવાઓ સાથે જોડવા માટે ૧૦૦ જેટલા તાલીમબદ્ધ કોલ-ટેકર્સ સાથેની અદ્યતન કોલ સેન્ટરની વ્યવસ્થા ઉભી કરાઈ છે. EMRI GHS દ્વારા ડિઝાઇન કરાયેલ વિશિષ્ટ CAD (Call Center Application) કોલ સેન્ટર એપ્લિકેશન દ્વારા વ્યવસ્થિત કોલ રેકોર્ડિંગ અને માહિતીનું સુરક્ષિત સંચાલન થશે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ:
કેન્દ્રમાં અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ કોન્ફરન્સ રૂમ, વિડીયો કોન્ફરન્સ માટેનો મીટિંગ રૂમ, ફરજ પરના અધિકારીઓ માટેની બેઠક વ્યવસ્થાઓ, અને રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર સાથે ટુ-વે કમ્યુનિકેશન વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે.
કેન્દ્ર દ્વારા આવરી લેવાયેલી મુખ્ય આરોગ્ય સેવાઓ:
* માતા આરોગ્ય: સિકલ સેલ એનિમિયા ધરાવતી સગર્ભા બહેનો, હૃદય, કિડની, ઓછા વજન કે હિમોગ્લોબિન ધરાવતી સગર્ભાઓની સંભાળનું મૂલ્યાંકન.
* બાળ આરોગ્ય: બાળ આરોગ્યને લગતા વિવિધ માપદંડોનું મૂલ્યાંકન.
* ટી.બી. નિયંત્રણ: હાઈ રિસ્ક ટીબીના દર્દીઓની સારવારનો ફોલો-અપ અને લક્ષણોની તપાસ.
* રસીકરણ: બાળકો અને માતાઓને અપાતા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનું મૂલ્યાંકન.
* PMJAY-મા યોજના: સારવાર લઈ રહેલા દર્દીઓનો અભિપ્રાય (ફીડબેક) અને હેલ્પલાઈન સેવાઓનું મૂલ્યાંકન.
* અન્ય કાર્યક્રમો: સિકલસેલ એનિમિયાના દર્દીઓ, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકો (SAM) અને રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની કામગીરી.
આરોગ્ય સમીક્ષા કેન્દ્રના આયોજનથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં ગુણાત્મક સુધારાઓ આવવાની અને દૂરના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મોટી મદદ મળવાની અપેક્ષા છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
