News of Tuesday, 3rd June 2025
“એક પેડ માં કે નામ” અભિયાનને એક વર્ષ પૂર્ણ : ગુજરાત ૧૭.૪૮ કરોડ રોપા વાવી દેશમાં બીજા સ્થાને!
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત અભિયાનનો વ્યાપ વધ્યો : પાંચ જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 'માતૃવન-વન કવચ'માં વૃક્ષારોપણ કરશે : અમદાવાદમાં 'ઓપરેશન સિંદૂર'ની યાદમાં સિંદૂર વન બનશે

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન, ૨૦૨૪ ના રોજ શરૂ થયેલા "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. પૃથ્વીમાતાને હરિયાળીથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિને જોડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા આ દેશવ્યાપી અભિયાનમાં ગુજરાત રાજ્યે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગુજરાતે ૧૭ કરોડ ૪૮ લાખ રોપાના વાવેતર કરીને આ અભિયાનની લક્ષ્યાંક સિદ્ધિમાં દેશભરના રાજ્યોમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી પાર્કમાં પીપળાના વૃક્ષના વાવેતરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, અને દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા તથા ધરતી માતાનું ગ્રીન કવર વધારવા આહવાન કર્યું હતું.
ગુજરાતની વૃક્ષારોપણ સિદ્ધિ અને 'મેરી લાઈફ' પોર્ટલ:
"એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ૧૪૦ કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ગુજરાતે આ અભિયાનમાં વ્યાપક પ્રતિસાદ આપીને શહેરી વિસ્તારોમાં ૧૫.૭૨ કરોડ અને ગ્રામ્ય ક્ષેત્રોમાં ૧.૭૬ કરોડ રોપાઓનું વાવેતર જનશક્તિને જોડીને કર્યું છે. ખાસ કરીને, કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૨ કરોડ ૯૫ લાખ રોપા વાવવામાં આવ્યા છે.
આ અભિયાનની દેશવ્યાપી પ્રગતિનું નિરીક્ષણ "મેરી લાઈફ" પોર્ટલ દ્વારા થાય છે, જેના પર વૃક્ષારોપણના જીઓ ટેગ કરેલા ફોટા અને વિડીયો અપલોડ કરવામાં આવે છે. ગુજરાતે આવા ૧૭ કરોડ ૪૮ લાખ ૩૪ હજાર ૮૨૦ છોડ-રોપાના ફોટા પોર્ટલ પર સફળતાપૂર્વક અપલોડ કર્યા છે.
"એક પેડ માં કે નામ 2.0" અને 'માતૃવન-વન કવચ' નિર્માણ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી "એક પેડ માં કે નામ" અભિયાનની સાથોસાથ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગાઢ વન નિર્માણ માટેની મિયાવાકી પદ્ધતિથી માતૃવન - વનકવચ તૈયાર કરવાનું પણ આહવાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૦૨૪ માં ૭૫મા વન મહોત્સવ અન્વયે ૫૫૦૦ ગામડાઓમાં માતૃવન ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વન કવચ યોજના હેઠળ મિયાવાકી પદ્ધતિથી કુલ ૧૦ હજાર રોપાઓનું વાવેતર કરીને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં ૨૦૦ હેક્ટર વિસ્તારમાં ૧૨૨ વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર, વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગે આ વર્ષે "એક પેડ માં કે નામ 2.0" અંતર્ગત ૨૦૨૫-૨૬ ના વર્ષ દરમિયાન શહેરો-ગામો મળીને કુલ ૪૨૫ હેક્ટર વિસ્તારમાં માતૃવન- વન કવચ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અમદાવાદમાં 'ઓપરેશન સિંદૂર'ની યાદમાં 'સિંદૂર વન' બનશે:
આગામી ગુરૂવારે, ૫મી જૂન ૨૦૨૫, વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા "મિશન ૪ મિલિયન ટ્રીઝ-૨૦૨૫" અંતર્ગત 'સિંદૂર વન' નિર્માણનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ભારતીય સેનાના જવાનોના શૌર્યથી સફળ થયેલા "ઓપરેશન સિંદૂર" ની સ્મૃતિ લોકોમાં સદા જીવંત રાખવા માટે આ વન બનાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વિસ્તારમાં જગતપુર બ્રિજ પાસેના પ્લોટમાં ૫ હજાર ચોરસ મીટર જગ્યામાં ૫૫૧ સિંદૂરના વૃક્ષો સહિત ૧૨ હજાર વૃક્ષો સાથેનો ઓક્સિજન પાર્ક ઉભો કરવામાં આવશે.
આ ઉપરાંત, આગામી ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં નિર્માણ થનારા માતૃવન - વન કવચમાં વૃક્ષારોપણ કરશે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
