<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

આગામી 3 કલાક અમદાવાદ સહિત 19 જિલ્લાઓમાં ભારે પવન સાથે મેઘો તૂટી પડશે

રાતના 8 વાગ્યા સુધી રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે

અમદાવાદ :આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. જો કે આજના નિર્ણાયક મુકાબલામાં વરસાદ વિલન બની શકે છે. હકીકતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 19 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહી અનુસાર, આગામી 3 કલાક એટલે કે સાડા 4 થી રાતના 8 વાગ્યા સુધી રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ,નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

RCB PBKS વચ્ચે રમાઈ રહેલી મેચને પગલે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ ફેન્સથી ઉભરાઈ ગયું છે. ફાઈનલ મેચ નિહાળવા અનેક સેલિબ્રિટીઓ પણ અમદાવાદની મહેમાન બની છે. અત્યારે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઝરમર-ઝરમર વરસાદ શરૂ થતાં ક્રિકેટ ફેન્સ ફાઈનલ મેચને લઈને ચિંતિત જોવા મળી રહ્યાં છે.

આ જિલ્લાઓમાં આગામી 3 કલાક સુધી 41 થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય રાજ્યના બનાસકાંઠા, સુરત, નવસારી જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અગાઉ PBKS અને MI વચ્ચેની મેચ વખતે પણ વરસાદ પડવાથી બે કલાક મોડી શરૂ કરવામાં આવી હતી. જો કે મોડા-મોડા મેચ શરૂ કરવામાં આવી હતી. જો આજે વરસાદના કારણે મેચમાં 5-5 ઑવરની રમત પણ શક્ય ના બને તો, રિઝર્વ ડે એટલે કે 4 જૂને રમાડવામાં આવશે.

 

(7:50 PM IST)