News of Wednesday, 4th June 2025
ગુજરાત કોંગ્રેસમાં 'ઘોડા'ના રાજકારણનો નવો રાઉન્ડ : રાહુલ ગાંધીના નિવેદન પર મોઢવાડિયાનો આકરો પ્રહાર : કોંગ્રેસમાં આંતરિક વિવાદ સપાટી પર
રાહુલ ગાંધીની 'રેસ અને લગ્નના ઘોડા'ની વાત પર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું - "ઘોડેસવારને જ ખબર નથી કે કયા ઘોડા પર સવાર છે" : કોંગ્રેસના પ્રવક્તાએ કર્યો બચાવ : કાર્યકરોના અપમાનનો મુદ્દો ગરમાયો

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે, અને આ વખતે ચર્ચાનો વિષય બન્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું 'રેસના ઘોડા અને લગ્નના ઘોડા' વાળું નિવેદન. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન સમયે પક્ષમાં પ્રાણ ફૂંકવા આવેલા રાહુલ ગાંધીએ આ વાત કહી હતી, અને તેઓ હાલમાં મધ્યપ્રદેશમાં પણ આ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસના નેતાઓ ફરી પોતાના અસલ રંગમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે, અને 'લગ્ન' અને 'રેસ'ના ઘોડા ફરીવાર સામસામે આવી ગયા છે.
મોઢવાડિયાનો રાહુલ ગાંધી પર ધારદાર ટોણો
આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર આકરો ટોણો માર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને કહ્યું હતું કે, "ઘોડેસવારને જ ખબર નથી કે કયા ઘોડા પર સવાર છે. ઘોડાની ઓળખ નથી અને હારે તો ઘોડાને દોષ આપે છે." મોઢવાડિયાએ 2014નો ઉલ્લેખ કરતા કહ્યું કે, "હું 2014માં કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હતો. ત્યારે રાહુલ ગાંધીએ રાજકોટના કાર્યકર્તાઓની મીટિંગમાં લગ્ન અને રેસના ઘોડાની વાત કરી હતી. આ જ મુદ્દો તેઓ દરેક ભાષણમાં રીપિટ કરે છે. તેમને આટલા વર્ષો પછી પણ રેસના ઘોડાની ખબર નથી. જેનો મતલબ છે કે ઘોડેસવારને જ ઘોડાની ખબર નથી. હારી જાય તો ઘોડાને જ દોષ આપે છે."
મોઢવાડિયાએ રાહુલ ગાંધીના નિવેદનને કોંગ્રેસના કાર્યકરોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું, "કોઈપણ પાર્ટી હોય, કાર્યકર્તાને લગ્નના અને લંગડા ઘોડા કહેવું તે અપમાનજનક છે. આ કાર્યકરોનું અપમાન છે."
કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનો બચાવ
બીજી બાજુ, કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજે જણાવ્યું હતું કે, દેશમાં સંગઠન સૃજન અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું છે. તેમણે રાહુલ ગાંધીને ખામી અને ખૂબી જાહેરમાં કહેનારા નેતા ગણાવ્યા હતા. પાર્થિવરાજે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધી સંગઠન અને સત્તામાં પારદર્શિતા માટે કામ કરે છે અને તેમની નીતિથી સક્ષમ અને પારદર્શિતા ધરાવતું સંગઠન મળશે.
આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે, ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ રાજકીય નિવેદનબાજી તેજ બની છે. ભાજપ કોંગ્રેસની આંતરિક નબળાઈઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પોતાના નેતાના નિવેદનોનો બચાવ કરી, તેને સંગઠનાત્મક સુધારાના ભાગરૂપે રજૂ કરી રહી છે. આ 'ઘોડા'નું રાજકારણ આગામી ચૂંટણીઓમાં કેવો રંગ લાવે છે તે જોવું રહ્યું.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
