<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ગુડ ગવર્નન્સ માટે ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય : RTI કાયદાના અમલમાં આમૂલ પરિવર્તન : 5 પાના સુધીની માહિતી હવે વિનામૂલ્યે મળશે

ગુજરાત માહિતી આયોગની ભલામણોનો સ્વીકાર : ઈ-મેઈલ/ઓનલાઈન અરજી પર ફોટોથી માહિતી : રેકોર્ડના નિરીક્ષણ સમયે ફોટો પાડવાની મંજૂરી : પારદર્શિતા વધારવા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર પર ભાર

ગાંધીનગર : ગુજરાત સરકારે જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદેહિતા વધારવાના ઉમદા આશય સાથે માહિતી અધિકાર અધિનિયમ – 2005 (RTI Act – 2005) ના અમલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવતી સૂચનાઓ બહાર પાડી છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા વિધાનસભા સમક્ષ રજૂ કરાયેલા વર્ષ 2023-24 ના વાર્ષિક વહીવટી અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોનો રાજ્ય સરકારે સ્વીકાર કરીને તા. 13/05/2025 ના પરિપત્રથી આ મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે. ગુજરાત માહિતી આયોગે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
RTI કાયદાના અમલને વધુ સરળ અને અસરકારક બનાવતી મુખ્ય સૂચનાઓ:
રાજ્ય સરકારે RTI કાયદાના સરળ, ઝડપી અને અસરકારક અમલ માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લીધા છે:
 * વિનામૂલ્યે માહિતી: અરજદારોને પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે માહિતી મેળવવાનું વધુ સુલભ બનાવશે.
 * ડિજિટલ માધ્યમથી માહિતી: જો અરજદાર દ્વારા ઈ-મેઈલથી કે ઓનલાઈન માહિતી માંગવામાં આવશે, તો સંબંધિત માહિતીનો ફોટો પાડીને ઈ-મેઈલ દ્વારા મોકલી આપવામાં આવશે. ત્યારબાદ તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલવાની રહેશે નહીં.
 * રેકોર્ડના નિરીક્ષણ માટેની સુવિધા: જ્યારે અરજદારને રેકોર્ડના સ્વ-નિરીક્ષણ (Self-inspection) માટે બોલાવવામાં આવે, ત્યારે તેમને માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઈસ (જેમ કે પેન ડ્રાઈવ) માં લઈ જવાની મંજૂરી અપાશે. ત્યારબાદ તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલવાની રહેશે નહીં.
 * રેકોર્ડનું વર્ગીકરણ અને વેબસાઈટ પર પ્રકાશન: તમામ સરકારી રેકોર્ડને યોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરવી અને તેને યોગ્ય રીતે સંબંધિત વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવું ફરજિયાત બનશે.
પ્રથમ અપીલ અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર પર ભાર:
આ ઉપરાંત, પ્રથમ અપીલ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ નમૂના-ક ની અરજી, જાહેર માહિતી અધિકારી દ્વારા રજૂ કરાયેલ વિગતો અને પ્રથમ અપીલની વિગતોને ધ્યાનમાં લઈને વિગતદર્શક હુકમ (Speaking Order) કરે. તેમજ, જાહેર માહિતી અધિકારી દ્વારા તે હુકમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
નાગરિકોને RTI અધિનિયમ – 2005 નો લઘુત્તમ ઉપયોગ કરવો પડે તે માટે, કાયદાની કલમ 4 (1) (ખ) માં જણાવેલ પ્રત્યેક જાહેર સત્તામંડળે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર (PAD) એટલે કે સ્વયંપ્રસિદ્ધ કરવાની માહિતીને સામાન્ય વહીવટ વિભાગના તા. 01-05-2009 અને તા. 17-07-2019 ની સૂચનાઓ મુજબ અધ્યતન કરવા સર્વે જાહેર સત્તામંડળોને સૂચના આપવામાં આવેલ છે.
પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર (PAD) માં સમાવિષ્ટ માહિતી નાગરિકોને વિનામૂલ્યે અથવા ઠરાવવામાં આવે તે કિંમતે અથવા છપામણી ખર્ચની કિંમતે પૂરી પાડવા સૂચના આપવામાં આવેલ છે. આ માહિતીમાં અરજદારો દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીનો પણ સમાવેશ કરવાનું જણાવવામાં આવેલ છે.
ગેરકાયદેસર બાંધકામ અને પરવાનગીની પ્રગતિની સ્વયં જાણ
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ સંદર્ભે કરેલ કાર્યવાહીના રેકોર્ડ, તેમજ આપવામાં આવતી વિવિધ પરમિટ, લાયસન્સ, પરવાનગી, અધિકૃતિઓની મંજૂરીની વિગતોને પણ સ્વયં પ્રસિદ્ધ કરવામાં આવશે.
સૌથી મહત્વપૂર્ણ અને નાગરિક-કેન્દ્રિત નિર્ણયમાં, કોઈપણ નાગરિક/અરજદાર દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ તેમની અરજી પરત્વે થતી પ્રગતિથી નાગરિક વાકેફ રહી શકે તે હેતુસર, મંજૂરીના પ્રત્યેક તબક્કે નાગરિક/અરજદારને મેસેજ / ઇ-મેઇલથી આપોઆપ જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે સર્વે જાહેર સત્તામંડળોને સૂચના આપવામાં આવેલ છે.
આ તમામ ક્રાંતિકારી સૂચનાઓ ગુજરાતમાં જાહેર વહીવટને વધુ પારદર્શક, જવાબદેહ અને નાગરિકો માટે સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

 

(7:58 PM IST)