<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ઉનાળુ વેકેશનમાં ગત મહિને 2780 વધારાની બસો દોડાવવામાં આવી :₹3.78 કરોડની કમાણી

કુલ 8.22 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો: ધાર્મિક અને પર્યટન સ્થળો માટે ખાસ ટ્રિપ

અમદાવાદ :ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ઉનાળુ વેકેશન 2025 દરમિયાન નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે કાર્યક્ષમ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન અંતર્ગત 1 મે થી 31 મે 2025ના સમયગાળામાં કુલ 2780 વધારાની બસો દોડાવવામાં આવી હતી, જેનો લાભ 8.22 લાખથી વધુ મુસાફરોએ લીધો હતો. આ સંખ્યા ગત વર્ષની સરખામણીમાં 2.38 લાખનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

GSRTC દ્વારા વેકેશનમાં મુસાફરોની સુવિધા માટે રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસો દોડાવવામાં આવી હતી. આમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રિપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ 210 ટ્રિપ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ 300 ટ્રિપ અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રિપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાતમાંથી પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ મુસાફરોને મળ્યો હતો.

પ્રવાસીઓ ધાર્મિક સ્થળોના દર્શને જઈ શકે તે માટે અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રિપ, જ્યારે ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની 5 ટ્રિપનું આયોજન કરાયું હતું. પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની 5 ટ્રિપ તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી રોજની 10 બસોની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રિપ અને મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી રોજની બે ટ્રિપનું આયોજન થયું હતું.

1 મે થી 31 મે 2025 દરમિયાન કુલ 16,438 બસ ટ્રિપો દ્વારા 15.61 લાખ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું, જેનાથી GSRTCને કુલ ₹3.78 કરોડની કમાણી થઈ છે. આ આંકડા વર્ષ 2024ના મે મહિનાની કમાણી ₹2.94 કરોડ કરતાં વધુ છે, જે રાજ્ય સરકારની કાર્યક્ષમ નેતૃત્વ અને માર્ગ પરિવહન ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ આપવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી રહી છે.

(6:35 PM IST)