<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

બેફામ ટ્રેલરના ચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ટક્કર :મારી પુત્રની નજર સામે જ માતાનું મોત

સુરત જિલ્લાના ઘંટોલી ગામની સીમમાં માંડવીથી ઝંખવાવ જવાના રોડ પર ગમખ્વાર અકસ્માત

સુરત જિલ્લાના ઘંટોલી ગામની સીમમાં માંડવીથી ઝંખવાવ જવાના રોડ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બેફામ ટ્રેલરના ચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પુત્રની નજર સામે જ માતાનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વતની અને હાલમાં બારડોલી સ્થિત વિઠ્ઠલનગરમાં રહેતા પ્રમેશભાઈ ચૌધરી (24) એક્ટિવા પર પોતાની માતા ભાનુબેન (55)ને લઈને જઈ રહ્યાં હતા. તેમનું એક્ટિવા ઘંટોલી ગામની સીમમાં માંડવીથી ઝંખવાવ જવાના રસ્તેથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે પાછળથી માંતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રેલરે તેમને ટક્કર મારી હતી.

ટ્રેલરની ટક્કરથી એક્ટિવા પર સવાર માતા-પુત્ર ફૂટબૉલની માફક હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેમાં એક્ટિવા પર પાછળ બેઠેલા ભાનુબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

બીજી તરફ આ બનાવની જાણ થતાં માંડવી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ભાનુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:57 PM IST)