<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : ગુજરાતમાં ‘પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન હેઠળ 12 બીચ પરથી 18,350 કિલો કચરો એકત્રિત કરાયો

GEMI દ્વારા #BeatPlasticPollution થીમ હેઠળ 22 મે થી 5 જૂન સુધી રાજ્યવ્યાપી જાગૃતિ ઝુંબેશ યોજાઈ : નુક્કડ નાટકો, કચરાનું વર્ગીકરણ અને પ્લાસ્ટિક કચરા એકત્રીકરણ જેવા કાર્યક્રમોમાં હજારો નાગરિકો સહભાગી થયા

ગાંધીનગર, [જૂન ૬, ૨૦૨૫]: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (GEMI) દ્વારા "પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી" ના સંકલ્પ સાથે '#BeatPlasticPollution' થીમ હેઠળ તા. 22 મે થી 5 જૂન, 2025 દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત GEMI દ્વારા યોજાયેલી આ ઝુંબેશનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો. આ અભિયાન હેઠળ 12 જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં 1,640 નાગરિકોએ સાથે મળીને કુલ 18,350 કિલોગ્રામ કચરો એકત્રિત કર્યો હતો, જે પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિવિધ કાર્યક્રમો દ્વારા જાગૃતિ:
પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, GEMIએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
દરિયાકિનારાની સફાઈનું મહાઅભિયાન:
GEMI દ્વારા ગુજરાતના દ્વારકા, શિવરાજપુર, ઉમરગાંવ, દાંડી, ડુમસ, મહુવા, પોરબંદર અને રવાલપીર સહિત 12 બીચમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં GPCB, વન વિભાગ, સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયતો, NGOs અને ઉદ્યોગોના સહયોગથી 1,640 થી વધુ સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ મળીને 18,350 કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને તેનો સુરક્ષિત નિકાલ કર્યો હતો.
નુક્કડ નાટક દ્વારા જનજાગૃતિનો સંદેશ:
પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અરવલ્લી, રાજકોટ, ભરૂચ, કચ્છ, દાહોદ, જૂનાગઢ અને ડાંગ સહિત 15 જિલ્લાઓના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ 37 નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકો દ્વારા 4,149 થી વધુ નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત અને ટકાઉ જીવનશૈલી વિશે સમજણ આપવામાં આવી હતી.
પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અને 'ગ્રીન રિવોર્ડ્સ':
ગાંધીનગર અને અમદાવાદની 10 રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અભિયાન યોજાયું હતું, જેમાં 450 થી વધુ રહેવાસીઓએ 250 કિલોથી વધુ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. પર્યાવરણલક્ષી જાગૃતિના ભાગરૂપે, નાગરિકોને માટીના કુંડામાં છોડ અને ખાતરનું વિતરણ પણ કરાયું હતું. આ ઉપરાંત, રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા અંગે ચિત્ર સ્પર્ધા, વર્કશોપ, પોસ્ટર, રીલ અને અપસાયક્લિંગ માટે ઈ-કોન્ટેસ્ટ જેવી વિવિધ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા.
પ્લાસ્ટિક-મુક્ત ભવિષ્યનું નિર્માણ:
GEMIના આ સામૂહિક પ્રયાસોએ ગુજરાતના હજારો નાગરિકોને પર્યાવરણ સુરક્ષા માટે એકત્રિત કર્યા. આ અભિયાનથી નોંધપાત્ર પ્રમાણમાં કચરાનું રિસાયકલિંગ અને પર્યાવરણીય રીતે સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે, જે પ્લાસ્ટિક-મુક્ત અને સ્વચ્છ ભવિષ્યના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

 

(12:50 PM IST)