News of Friday, 6th June 2025
સુરતની BRTS બસમાં ડ્રગ્સના નશામાં લોકોને ધમકાવનાર વીર ઠક્કરને સુરત પોલીસે મહારાષ્ટ્રના ચાલીસ ગાંવથી ઝડપી પાડ્યો : નવ ગુનામાં પોલીસના હાથે ઝડપાય ચૂક્યો હતો
આરોપીએ વીડિયોમાં જે પડીકી બતાવી હતી તે ડ્રગ્સની પડીકી મહારાષ્ટ્રથી લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું :આરોપી વીડિયોમાં રોફ જમાવવા માટે રોયલ કાઠીયાવાડી હોવાનું કહેતો હોય છે પરંતુ ખરેખર તે કોઈ રોયલ ફેમિલીમાંથી નથી

સુરત તા.૬ : BRTS બસમાં ડ્રગ્સના નસાની હાલતમાં દાદાગીરી કરનારા ઇસમની મહારાષ્ટ્રથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમનું નામ વીર ઠક્કર હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ નવ ગુનામાં પોલીસના હાથે ઝડપાય ચૂક્યો છે. 2019માં આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. તો આરોપીએ વીડિયોમાં જે પડીકી બતાવી હતી તે ડ્રગ્સની પડીકી મહારાષ્ટ્રથી લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સુરતની BRTS બસમાં ડ્રગ્સના નશામાં લોકોને ધમકાવનારા ઈસમ વીરને સુરત પોલીસે મહારાષ્ટ્રના ચાલીસ ગાંવથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસની પૂછપરછમાં કબુલાત કરી છે કે, તે ઘટના બની તે સમયે નશાની હાલતમાં હતો અને તેને વીડિયોમાં લોકોને જે પડીકી બતાવી હતી તે એમડી ડ્રગ્સની પડીકી હતી. આ ડ્રગ્સની પડીકી તે મહારાષ્ટ્રથી લાવ્યો હતો. તે નશાનો આદી હોવાના કારણે જ્યારે જ્યારે તેને નશો કરવો હોય ત્યારે આ ડ્રગ્સ મહારાષ્ટ્રથી લાવતો હતો.
આરોપીએ પોલીસની પૂછપરછમાં એવું પણ જણાવ્યું હતું કે, તેને બસમાં જે પ્રકારે લોકો સામે દાદાગીરી કરી હતી. તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને હવે પોલીસ તેને પકડશે તેવા ડરના કારણે આરોપી સુરત છોડીને મહારાષ્ટ્રના ચાલીસ ગાંવ ભાગી ગયો હતો.
બીજી તરફ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતે કાર્યવાહી કરવામાં આવી અને વીડિયો બાબતે ક્રાઈમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસની સંયુક્ત કામગીરીના કારણે તાત્કાલિક અસરથી આ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
મહિધરપુરા અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ મહારાષ્ટ્રના ચાલીસ ગાંવ ખાતે રવાના થઈ હતી. ત્યારબાદ વીર નામના ઇસમને ચાલીસ ગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વીડિયોમાં રોફ જમાવવા માટે રોયલ કાઠીયાવાડી હોવાનું કહેતો હોય છે પરંતુ ખરેખર તે કોઈ રોયલ ફેમિલીમાંથી નથી. આરોપીના પિતા કેતનભાઇ ઠક્કર સાબુ વેચવાનું કામ કરે છે અને તે પિતાના આ ધંધામાં પિતાને મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.
આરોપી વીર નશાનો આદી હોવાના કારણે તેને અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કાઓ પણ ખાવા પડ્યા છે. તો વર્ષ 2019માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ છે અને અગાઉ 9 જેટલા ગુના આરોપી વીર સામે નોંધાયા છે. ત્યારે હાલ સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે, આરોપી મહારાષ્ટ્રથી કોની પાસેથી ડ્રગ્સ લાવતો હતો, કેટલા સમયથી તે મહારાષ્ટ્રમાં આ પ્રકારે ડ્રગ્સ લેવા જતો હતો. તો આરોપીએ પોલીસની પૂછપરછમાં એવું પણ જણાવ્યું હતું કે, વીડિયોમાં આરોપી પાસે છરો દેખાતો હતો તે છરો તેને વરાછા વિસ્તારમાં ક્યાંક ફેકી દીધો છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
