<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-૧૯ના ૧૭૦ નવા કેસ : 'નવી લહેર'નો સંકેત? એક્ટિવ કેસ ૭૦૦ને પાર : આજે કુલ 68 દર્દીઓએ ડિસ્ચાર્જ મેળવ્યો : ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

રાજ્યમાં કુલ ૭૧૭ સક્રિય કેસ નોંધાયા : જોકે ૬૯૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં : ચિંતાજનક આંકડા છતાં હોસ્પિટલાઈઝેશન ઓછું : નાગરિકોને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોવિડ-૧૯ના દૈનિક કેસોમાં ફરી આંશિક ઉછાળો જોવા મળ્યો છે, જે સંભવિત 'નવી લહેર' તરફ ઇશારો કરી રહ્યો છે. આજે રાજ્યમાં નવા ૧૭૦ કોવિડ-૧૯ કેસ નોંધાતા, કુલ સક્રિય કેસોનો આંકડો ૭૧૭ પર પહોંચ્યો છે. આ આંકડા ચિંતાજનક હોવા છતાં, રાહતની વાત એ છે કે મોટાભાગના દર્દીઓ ગંભીર નથી.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, હાલ કુલ ૭૧૭ સક્રિય દર્દીઓ સારવાર હેઠળ છે. આ પૈકી, ફક્ત ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૬૯૪ દર્દીઓ પોતાના ઘરે જ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે. આ દર્શાવે છે કે મોટાભાગના કેસો હળવા લક્ષણોવાળા છે. આજે ૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જે સાજા થવાનો સંતોષકારક દર દર્શાવે છે. જોકે, સૌથી મોટી રાહતની વાત એ છે કે, આજે કોવિડ-૧૯ થી એક પણ મૃત્યુ નોંધાયું નથી, જે રાજ્યમાં રોગની ગંભીરતા ઓછી હોવાનો સંકેત આપે છે.
આરોગ્ય વિભાગે હોમ આઈસોલેશનમાં રહેલા તમામ વ્યક્તિઓને પોતાના સ્વાસ્થ્યનું સતત સ્વ-નિરીક્ષણ કરવા અને કોઈપણ ફેરફાર પર ધ્યાન આપવા જણાવ્યું છે. ખાસ કરીને, જો શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, કે અન્ય કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તબીબી સલાહ લેવા સૂચના આપવામાં આવી છે.
વધુમાં, નાગરિકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર (કોવિડ યોગ્ય વર્તન) નું પાલન કરવાનું ચાલુ રાખવા વિનંતી કરવામાં આવી છે. જેમાં ખાંસી કે છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવા, જાહે૨ સ્થળોએ થૂંકવાનું ટાળવું, નિયમિતપણે સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ૨નો ઉપયોગ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ સાવચેતીના પગલાં કોવિડના ફેલાવાને નિયંત્રિત કરવામાં અત્યંત મદદરૂપ થશે અને રાજ્યને આ સંભવિત નવી લહેરમાંથી સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

 

(8:00 PM IST)