News of Friday, 6th June 2025
કડી પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને નડ્યો અકસ્માત : શ્વાનને બચાવવા જતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ : આબાદ બચાવ
આગામી ૧૯મી જૂને યોજાનારી પેટાચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો : ભાજપના રાજેન્દ્ર ચાવડા સામે કોંગ્રેસના રમેશ ચાવડા મેદાનમાં : અકસ્માતથી ચિંતાનો માહોલ

કડી : કડી વિધાનસભા બેઠક-૨૪ની પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને એક અકસ્માત નડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કડી કોર્ટ નજીક શ્વાનને બચાવવાના પ્રયાસમાં તેમની ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી અને અથડામણ થતા વાહનના આગળના ભાગને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કારમાં સવાર રમેશ ચાવડાનો આબાદ બચાવ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના કડી કોર્ટ પાસે બની હતી જ્યારે એક શ્વાન અચાનક રસ્તા પર આવી ગયું હતું. તેને બચાવવા જતા રમેશ ચાવડાની કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારના આગળના ભાગને નુકસાન થયું હોવા છતાં, રમેશ ચાવડાને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ૧૯મી જૂને રાજ્યમાં વિધાનસભાની આ મહત્વપૂર્ણ પેટાચૂંટણી યોજાવાની છે. કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધો જંગ છે. ચૂંટણી પ્રચાર જોરમાં ચાલી રહ્યો છે ત્યારે આ અકસ્માતના સમાચારથી રાજકીય વર્તુળોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા રાજકીય ક્ષેત્રે જાણીતો ચહેરો છે. તેઓ વર્ષ ૨૦૧૨ માં હિતુ કનોડિયાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જોકે, ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ભાજપના કરસન સોલંકી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર તેઓ કોંગ્રેસના પક્ષેથી મેદાનમાં ઉતર્યા છે અને આ અકસ્માત બાદ તેમની તબિયતને લઈને તેમના સમર્થકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
