તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
હાઇવે પર જૈન સાધ્વી અકસ્માતમાં ઘાયલઃ સેવિકાનું ઘટના સ્થળે જ મૃત્યુ
૮૦ વર્ર્ષનાં જૈન સાધ્વી મધુસુધા મહાસતીજીને માથામાં ગંભીર ઈજા અને સાથળમાં ફ્રેક્ચર આવતાં સુરતની મહાવીર હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યાં છે જ્યાં તેમની હાલત ગંભીર છે

ભરૂચ તા.૭: ભરૂચમાં હાઇવે પર આવેલા વરેડિયા વિહારધામથી અસુઇયા વિહારધામ તરફ સવારે પોણાપાંચ વાગ્યે વ્હીલચૅર પર વિહાર કરી રહેલાં ૮૦ વર્ષનાં જૈન સાધ્વી મધુસુધા મહાસતીજીનો ગઈ કાલે રોડ ક્રૉસ કરતી વખતે એક્સિડન્ટ થયો હતો જેમાં તેમની વ્હીલચૅર ચલાવી રહેલાં તેમનાં ૫૧ વર્ષનાં સેવિકા ગજરાબહેનનું ઘટનાસ્થળે જ મળત્યુ થયું હતું અને મહાસતીજીને માથામાં ગંભીર ઈજા અને સાથળમાં ફ્રેક્ચર આવતાં સુરતની મહાવીર હોસ્પિટલમાં એડ્મિટ કરવામાં આવ્યાં છે જ્યાં તેમની હાલત ગંભીર છે.
આ બાબતે માહિતી આપતાં અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચેલા બરોડા વિહાર ગ્રુપના રાજેન્દ્ર બોલિયાએ ‘કહ્યું હતું કે ‘વિહાર ગ્રુપ દ્વારા અવારનવાર સૂચના આપવા છતાં ગઈ કાલે વરેડિયા વિહારધામથી સાધ્વીજીઓએ વહેલી સવારે પોણાપાંચ વાગ્યે વિહાર કરવાની શરૂઆત કરી હતી. તેઓ વિહારધામથી હાઇવે પર રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં એ સમયે મધુસુધા મહાસતીજી વ્હીલચેર પર હોવાથી પાછળ રહી ગયાં હતાં, જ્યારે અન્ય સાધ્વીજીઓ રોડ ક્રોસ કરીને આગળ જતાં રહ્યાં હતાં. આ બધાં સાધ્વીજીઓ સાથે પોલીસ અને વિહાર ગ્રુપના સ્વયંસેવકો પણ હતા. જોકે અંધારામાં મુધુસુધા મહાસતીજી હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકની અડફેટે આવી ગયાં હતાં. તેમને બચાવવા જતાં તેમનાં સેવિકા ગજરાબહેન રોડ-અકસ્માતમાં ઘટનાસ્થળે જ મળત્યુ પામ્યાં હતાં. વિહાર ગ્રુપના સ્વયંસેવકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ મધુસુધા મહાસતીજીને અને તેમની સેવિકાને બરોડા હાર્ટ સ્પેશ્યલિટી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ ગજરાબહેનને મળત્યુ પામેલાં જાહેર કર્યાં હતાં. મધુસુધા મહાસતીજીને માથામાં ગંભીર ઈજા હોવાથી તેમને તરત સુરતની મહાવીર હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યાં છે.'
મહાવીર હોસ્પિટલના ડોક્ટરોએ મધુસુધા મહાસતીજીનું સી. ટી. સ્કેન કર્યા પછી તેમને માથામાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાનું કહ્યું હતું. આ સંદર્ભે રાજેન્દ્ર બોલિયાએ કહ્યું હતું કે ‘મહાસતીજી ભાનમાં છે. તેઓ થોડી વાતો કરી રહ્યાં છે, પરંતુ ડોક્ટરોના કહેવા પ્રમાણે તેમના માથાની ઈજા ગંભીર હોવાથી તેમની સાથળના ફ્રેક્ચરનું ઑપરેશન હમણાં શકય નથી. મૂળ રાજસ્થાનના પાલીનાં ગજરાબહેનનાં અમદાવાદમાં રહેતાં દીકરી-જમાઈને ગજરાબહેનનો મળતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. તેઓ ગઈ કાલે બપોરે ગજરાબહેનની ડેડ-બોડીને અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં પાલી લઈ ગયાં છે. ગજરાબહેન છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સાધ્વીજીઓને સેવા આપી રહ્યાં હતાં.'
આ એક રોડ-અકસ્માત જ હતો એમ જણાવતાં ભરૂચના વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અરવિંદ પારેખે કહ્યું હતું કે ‘મધુસુધા મહાસતીનો જ્યાં રોડ-અકસ્માત થયો એ એક્સિડન્ટ-સ્પોટ છે. આ પહેલાં પણ આ ઘટનાસ્થળે બે સાધ્વીજી રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યાં હતાં. ગઈ કાલે મધુસુધા મહાસતીજી અને તેમનાં સેવિકાના અકસ્માત પછી ડ્રાઇવર પોલીસ-સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મેલી રમત રમાયાની અમને કોઈ શંકા દેખાતી નથી. જોકે એમ છતાં અમે પોલીસમાં રોડ-એક્સિડન્ટની ફરિયાદ નોંધાવી છે.'
ગઈ કાલના મધુસુધા મહાસતીજીના રોડ-અકસ્માત પછી સુરતના વિહાર ગ્રુપના નીલેશ કોઠારી અને રાજેન્દ્ર બોલિયાએ બધા જૈન સંઘોને વોટ્સએપના માધ્યમથી વિનંતી કરતાં કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૫-૨૦ દિવસમાં જે રીતે મહારાજસાહેબના રોડ-એક્સિડન્ટ થઈ રહ્યા છે એ જોતાં મહારાજસાહેબોએ સૂર્યોદય પહેલાં એટલે કે સવારે ૬ વાગ્યા પહેલાં વિહાર ન કરવો જોઈએ. મોટા ભાગના અકસ્માત સવારે ૪.૩૦થી પાંચ વાગ્યા વચ્ચે જ થાય છે એથી જૈન સંઘો અને જૈનાચાર્યો તેમ જ વિહાર ગ્રુપના સ્વયંસેવકોએ સાધુ-સંતોને ૬ વાગ્યા પહેલાં વિહાર કરતા રોકવાની ખૂબ જરૂર છે. જો કોઈ સાધુ-સાધ્વીઓ આ પહેલાં વિહાર કરવાનું કહે તો તેમને કહેવાનું કે અમે સવારે ૬ વાગ્યા પછી જ તમને સેવા આપી શકીશું. જૈન ધર્મનાં અણમોલ રત્નોની સુરક્ષા માટે અને દુર્ઘટનાથી બચાવવા માટે બધાએ સાથે મળીને ઝુંબેશ ચલાવવાની જરૂર છે.'(૩૮.૧૯)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
