News of Saturday, 7th June 2025
નડિયાદમાં યુવતીને ઢસડીને માર મારવામાં આવ્યો
લુખાતત્ત્વો બન્યા બેફામઃઆ યુવતીએ નડિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે રવિ તળપદા નામના શખ્સ દ્વારા તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો

નડિયાદ,તા.૭
ગુજરાતમાં મહિલા સલામત હોવાનો દુનિયાભરમાં ઢંઢેરો પીટાય છે. પરંતુ છેલ્લા કેટલા સમયથી સામે આવતા કિસ્સા બતાવે છે કે મહિલાઓની સલામતીના દાવા પોકળ છે. હાલમાં નડિયાદનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મંદિર જતી યુવતી લુખાતત્ત્વોના આતંકનો ભોગ બને છે. નડિયાદનો આ કિસ્સો બતાવે છે કે લુખાતત્ત્વો યુવતીઓને હેરાન કરવાની એકપણ તક છોડતા નથી તેવું લાગે છે. ધોળા દિવસે મંદિર જતી યુવતીને જો આ નરાધમો છોડતા નથી તો પછી મોડી રાત્રે કામસર બહાર જતી યુવતીઓને સ્થિતિ કેવી હશે.
નડિયાદમાં એક યુવતીએ સામાન્ય બાબતે બબાલ મચાવનાર અસમાજિક તત્ત્વો સામે બાયો ચઢાવી છે. આ યુવતીએ નડિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે રવિ તળપદા નામના શખ્સ દ્વારા તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો. યુવતીએ માગ કરી છે કે આવા લુખાતત્ત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવવો જોઈએ. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે જ્યારે હું મંદિરે દર્શન કરવા જતી હતી ત્યારે મુખ્ય માર્ગમાં ઝાડ પડેલું હતું. એટલે હું અને મારી બહેન બીજા રસ્તેથી મંદિર જવા નીકળ્યા. જ્યાં અચાનક રવિ નામનો શખ્સ આવ્યો અને મને રોડ પર ઢસડી અને લાફા ઝીંકવા લાગ્યો.
મને બચાવવા જ્યારે મારી બહેન વચ્ચે પડી તો આ રવિ નામના લુખ્ખાએ તેને લાફા માર્યા. આ યુવાન બેફામ રીતે મને અને મારી બહેનને મારવા લાગ્યો. એટલે અમે ફોન કરીને અમારા ભાઈને બોલાવ્યો. મારા ભાઈએ રવિને પૂછયું કે આખરે કેમ આવું વતર્ન કર્યું ત્યારે તેને પણ ઢોર માર માર્યો. યુવતીના ભાઈને બેટના ફટકા મારી ઈજાઓ પહોંચાડી. રવિ તળપદા નામના યુવાનની આવી ગુંડાગીરીના તાબે ના થતા યુવતીએ નડિયાદ પોલીસમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આ યુવતીનું નામ ડોલી છે અને તે પરિવાર સાથે ફતેપુરા રોડ પર રાજેન્દ્રનગર વિસ્તારમાં રહે છે. નજીવી તકરારે એકજ પરિવારના ત્રણ સભ્યોને ઢોર માર મારતા પીડીત ડોલી બેન રાવળની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે રવિ નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
