<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના નગરોમાં માર્ગ સલામતી અને સુવિધાયુક્ત રસ્તાઓ માટે જનહિતકારી નિર્ણય : ચોમાસા પૂર્વે ₹૧૦૭ કરોડની ગ્રાન્ટ મંજૂર

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૧૪૯ નગરપાલિકાઓને રોડ રિપેરિંગ-રિસરફેસિંગ માટે વર્ગ મુજબ ₹૪૦ લાખથી ₹૧ કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવાશે : ચોમાસામાં વધુ નુકસાન થાય તો વધારાની ગ્રાન્ટ પણ આપવાની ખાતરી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરોમાં વધુ સારી માર્ગ સલામતી અને ઉત્તમ રસ્તાઓની સુવિધા પૂરી પાડવાના જનહિતકારી નિર્ણય હેઠળ ચોમાસા દરમિયાન ભારે વરસાદથી રસ્તાઓને થતા નુકસાનના તાકીદના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે આગોતરું આયોજન કર્યું છે. આ હેતુસર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રાજ્યની ૧૪૯ નગરપાલિકાઓને કુલ ₹૧૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને વ્યાપક નુકસાન થવાની શક્યતા રહે છે. નુકસાન પામેલા આવા રસ્તાઓનું વહેલી તકે રિસરફેસિંગ અને રિપેરિંગ કરીને નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા મળી રહે તેવો પ્રજાલક્ષી અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ અપનાવ્યો છે.
આટલું જ નહીં, જે નગરોમાં રસ્તાઓની પ્રવર્તમાન સ્થિતિ ગટર, પીવાના પાણી માટેની પાઇપલાઇન સહિતના કામો માટે રસ્તાઓના ખોદકામના કારણે સારી ન હોય, તેવા નગરોમાં ચોમાસા પૂર્વે રોડ રિપેરિંગ માટે સંબંધિત નગરપાલિકાઓની માંગણી અનુસાર રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ રાજ્યની નગરપાલિકાઓને રોડ રિપેરિંગ-રિસરફેસિંગ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે:
 * 'અ' વર્ગની ૩૭ નગરપાલિકાઓને: પ્રત્યેકને ₹૧ કરોડ પ્રમાણે કુલ ₹૩૭ કરોડ.
 * 'બ' વર્ગની ૩૪ નગરપાલિકાઓને: દરેકને ₹૮૦ લાખ મુજબ કુલ ₹૨૭ કરોડ.
 * 'ક' વર્ગની ૬૧ નગરપાલિકાઓને: નગરપાલિકા દીઠ ₹૬૦ લાખ પ્રમાણે કુલ ₹૩૬ કરોડ.
 * 'ડ' વર્ગની ૧૭ નગરપાલિકાઓને: પ્રતિ નગરપાલિકા ₹૪૦ લાખ પ્રમાણે કુલ ₹૬.૮૦ કરોડ.
આમ, કુલ ₹૧૦૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે.
આ ઉપરાંત, રાજ્યના નગરોમાં જો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો તેમને ફાળવવામાં આવેલી આ રકમ ઉપરાંત નગરપાલિકાઓની વધુ જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરિંગ માટે નાણાં ફાળવવાનો પ્રજાલક્ષી અભિગમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અપનાવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના શહેરી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ સુધારવામાં મદદ મળશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે.

 

(12:08 PM IST)