<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ઉનાળુ વેકેશનના આખરી વીકેન્ડમાં યાત્રાધામ દ્વારકા દર્શનાર્થીઓ અને સહેલાણીઓથી ઉભરાયું : અંદાજે સાત લાખ ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા

જગતમંદિરથી લઈને પર્યટન સ્થળો સુધી ભક્તો અને પ્રવાસીઓનો ઘસારો : દ્વારકાધીશના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી : શિવરાજપુર, બેટ દ્વારકા, નાગેશ્વર સહિતના સ્થળો પર પણ ભીડ જોવા મળી

(દીપેશ સામાણી દ્વારા), દ્વારકા : ઉનાળુ વેકેશનના અંતિમ વિકેન્ડમાં ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થીઓ અને સહેલાણીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. વેકેશનના આખરી દિવસોમાં લોકો મોટી સંખ્યામાં દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા અને આસપાસના પ્રવાસી સ્થળોની મુલાકાત લેવા ઉમટી પડ્યા છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં તેમજ ગોમતી ઘાટ પર વહેલી સવારથી બપોર સુધી અને સાંજથી રાત્રિ સુધી ભાવિકોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, દ્વારકાના રમણીય બીચ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર પાસેનો બીચ, ભડકેશ્વર ચોપાટી, સનસેટ પોઈન્ટ વગેરે સ્થળોએ પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળી રહ્યા છે.
દ્વારકા ઉપરાંત, શિવરાજપુર બીચ, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂકિમણી મંદિર વગેરે યાત્રીક અને પર્યટન સ્થળો પર પણ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ તેમજ સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યા છે, જેના કારણે આ તમામ સ્થળો પર રોનક છવાયેલી છે.
આખરી પખવાડિયામાં સાત લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા:
મહત્વપૂર્ણ છે કે, ઉનાળુ વેકેશનના આખરી પખવાડિયામાં આશરે સાત લાખથી પણ વધારે ભાવિકોએ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ દર્શનાર્થીઓની સંખ્યા દ્વારકાના ધાર્મિક મહત્વ અને પ્રવાસી આકર્ષણને વધુ એકવાર ઉજાગર કરે છે. યાત્રાધામ દ્વારકાની આ ભીડ દર્શાવે છે કે વેકેશનના છેલ્લા દિવસોમાં પણ લોકો ધાર્મિક પ્રવાસ અને પર્યટનનો ભરપૂર લાભ લઈ રહ્યા છે.

 

(12:44 PM IST)