<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

વડોદરામાં હવે ભુવા ન પડે એ માટે નવી ટેક્નોલોજીથી ડ્રેનેજ સિસ્ટમ નાખવાની યોજના: વિવિધ વિસ્તારમાં નાના મોટા 130થી વધુ ભુવા પડ્યા

ભુવાઓની મરામત પાછળ અંદાજિત 50 કરોડથી વધુનો ખર્ચ કરી દીધો છે. તેમ છતાં કાયમી આ સમસ્યાનો નિકાલ નથી : મહાનગરપાલિકા દ્વારા વિચારણા

વડોદરા: શહેરમાં ભુવા પડવાની સમસ્યા અટકવાનું નામ નથી લઈ રહી. ચોમાસાથી લઈ અત્યાર સુધી શહેરમાં કારેલીબાગ ,અકોટા , મુંજમહુડા , માંજલપુર સહિતના વિવિધ વિસ્તારમાં નાના મોટા 130થી વધુ ભુવા પડ્યા છે . ત્યારે કોર્પોરેશન દ્વારા પણ આ ભુવાઓની મરામત પાછળ અંદાજિત 50 કરોડથી વધુનો ખર્ચ કરી દીધો છે. તેમ છતાં કાયમી આ સમસ્યાનો નિકાલ નથી આવ્યો. ત્યારે મહાનગરપાલિકા દ્વારા હવે ભુવા ન પડે એ માટે નવી ટેક્નોલોજીથી ડ્રેનેજ સિસ્ટમ નાખવાની યોજના બનાવી છે.

 

અકોટા મુંજમહુડા રોડ પર ગત વર્ષથી અત્યાર સુધીમાં 20થી વધુ ભુવા પડ્યા છે. કેટલાક ભુવા તો મહાકાય હોવાને કારણે રોડ પણ બંધ કરવો પડે છે અને મહિનાઓ સુધી સમારકામ ચાલે છે. સતત પડતા ભૂવાઓ નાગરિકો માટે પણ હેરાનગતિ રૂપ બન્યા છે. કોર્પોરેશન દ્વારા આ વખતે ભુવાની વ્યાખ્યા સમજી નિકાલ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા એકને એક રોડ પર વારંવાર પડતા ભુવા આઠ જેટલા સ્પોટ શોધી નાખવામાં આવ્યા છે અને ત્યાં GRS સિસ્ટમ અપનાવી નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે.

 

પાણી પુરવઠા વિભાગના વડા ધાર્મિક દવેએ પણ વારંવાર ભુવા પડવાનું કારણ જુની ડ્રેનેજ લાઇન ગણાવી હતી અને વર્ષો જુની આ લાઇન હોવાથી આવી જગ્યાએ જ ભુવા પડે છે તેમ જણાવ્યું હતું. જો કે હવેથી આ લાઇન નવી નાખવાથી આ સમસ્યા નહીં સર્જાય તેમ કહી રહ્યા છે. નવી ડ્રેનેજ લાઇન સાથે એક ડાયવર્ઝન લાઇન પણ નાખવામાં આવી રહી છે.

 

આ ડાયવર્ઝન લાઇનથી ભવિષ્યમાં લીકેજ થાય અથવા કોઈ સમસ્યા સર્જાય લીકેજ આગળથી લાઇન બંધ કરી અન્ય જગ્યાએ ડાયવર્ટ કરી શકાય. સાથે સાથે સીસીટીવી કેમેરા પણ અંદર ઉતારી અને પરિસ્થિતિનો તાગ મેળવી લીકેજ અથવા ભુવાને કોર્ડન કરી રોડ ખોદયા વગર જ લાઇનને રિપેર કરી શકાશે. જેથી કોર્પોરેશનની લાગત પણ બચશે અને નાગરિકો હેરાન પણ ઓછા થશે.

(1:50 PM IST)