News of Sunday, 8th June 2025
અમદાવાદમાં અખાદ્ય સોસનો મોટો જથ્થો ઝડપાયો : ફૂડ વિભાગે બાપુનગરની ફેક્ટરી પર દરોડા પાડી ₹૨.૫૩ લાખનો દંડ વસૂલ્યો : ૪ હજાર કિલો સોસનો નાશ કર્યો
અખાદ્ય સોસ બનાવતી ત્રણ યુનિટ સીલ કરાયા : કિચનમાં અસ્વચ્છતા, ડ્રેનેજનું પાણી ફરતું જોવા મળતાં ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી

અમદાવાદ : અમદાવાદના નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટા પ્રમાણમાં અખાદ્ય અને અસ્વચ્છ રીતે બનાવવામાં આવેલો સોસનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન, ૪ હજાર કિલો સોસનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ વિભાગ દ્વારા ત્રણ યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે.
ફૂડ વિભાગની ટીમે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી એક સોસની ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન, અધિકારીઓ કિચનમાં પહોંચ્યા ત્યારે ત્યાં અસ્વચ્છતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. કિચન વિસ્તારમાં ડ્રેનેજનું પાણી ફરી વળતું હતું, જે સ્વચ્છતાના ધારાધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતું હતું. આ દયનીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
આ દરોડામાં ફૂડ વિભાગે અખાદ્ય સોસના જથ્થાને જપ્ત કર્યો હતો અને ફેક્ટરી માલિક પાસેથી ₹૨.૫૩ લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો. વધુમાં, જપ્ત કરાયેલા ૪ હજાર કિલો અખાદ્ય સોસનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે આ સોસ ફેક્ટરી સહિત કુલ ત્રણ એકમને સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે, અને નાગરિકોને ચટાકેદાર સોસ કે અન્ય ખાદ્યપદાર્થોનું સેવન કરતા પહેલા સાવચેતી રાખવા માટે એક ચેતવણી પૂરી પાડી છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
