<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ વિપક્ષ પર કર્યા પ્રહાર: કિરીટ પટેલને મત આપવા હુંકાર

સુરત: સુરતમાં વિસાવદર ચૂંટણી માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા, ઉમેદવાર કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જયેશ રાદડિયાએ કિરીટ પટેલના સમર્થનમાં વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને કિરીટભાઈને જ મત આપવા માટે જણાવ્યું હતું.

જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ‘રાજનીતિમાં જ્યારે ચૂંટણી આવે ભૂતકાળમાં પણ અનેક ચૂંટણી લડ્યા છીએ અને ભવિષ્યમાં પણ અનેક ચૂંટણી લડવાના છીએ. આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવામાં આવી રહ્યો છે. તે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો કાયદેસર દેશી ભાષામાં કહીએ તો બે મહિનાથી આ લોકોએ ઉપાડો લીધો છે.’
 
છેલ્લા છ દિવસથી હું વિસાવદર ભેસાણમાં જવાબદારી સંભાળું છું અને જાહેર મંચ પરથી કાયમી કહું છું કે, ચૂંટણીને ચૂંટણીની રીતે લડાઈ. જે પ્રમાણે ચૂંટણીમાં કિરીટભાઈને ટાર્ગેટ કરી તેમના પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા તે તમે જોતા હશો. હું દરેક સભામાં કહું છું કે તમારે આક્ષેપ ક્યારે લગાડાય કે જ્યારે તમારામાં આક્ષેપને સાબિત કરવાની તેવડ હોય. હું ખુલ્લામાંથી ગમે તેના પર આક્ષેપ કરી શકું પરંતુ એ ત્યારે કરી શકું જ્યારે તમે કરેલો આક્ષેપ સાબિત થાય. જૂનાગઢની બેંક છે તે ખેડૂતોની બેંક છે અને જૂનાગઢની બેંક પર જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા કિરીટભાઈ સામે જે આક્ષેપ થયા તેમાં આખેઆખું જોયું.  
 

આ જૂનાગઢની બેંકમાં અને જે મંડળીઓમાં ગોટાળા થયા તે વર્ષ 2012માં થયા છે. કિરીટ પટેલ આ બેંકના ચેરમેન બન્યા તે 2023માં બન્યા એને ચેરમેન બન્યાને બે વર્ષ પૂરા થયા નથી. 2012ની ઘટના કિરીટભાઈ ચેરમેન બન્યા 2023માં અને એટલા માટે તેમને એક ખેડૂતોના પ્રતિનિધિ તરીકે આ મંડળીઓમાં ઇન્સ્પેક્શન કરાવ્યું. તેમને ઇન્સ્પેક્શન કરાવ્યું ત્યારે ખબર પડી કે 2012થી ખેડૂતોના નામે પૈસા જે તે ગામનો તલાટી લે છે આમાં કિરીટભાઈનો શું રોલ છે.

હું દરેક વાતનો સાક્ષી રહ્યો છું. જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન કિરીટભાઈ છે તે જ રીતે હું રાજકોટ સહકારી બેંકનો ચેરમેન છું. જુનાગઢ કરતા આ બેંક આઠ ગણી મોટી છે અને આ બેંક હું ચલાવી રહ્યો છું. ભૂતકાળમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અખાડે ગયેલી બેન્ક કહેવાતી, નુકસાની કરતી બેંક કહેવાતી હતી. આજે મારે જાહેર બંધથી કહેવું પડે અને કિરીટ પટેલને અભિનંદન આપવા પડે કે છેલ્લા બે વર્ષમાં તેમને ચેરમેન પદ સંભાળ્યા પછી અને આ ખાડે ગયેલી બેન્કને 45 કરોડ રૂપિયા નફો કરતી બેંક બનાવી. તમે કયા મોઢે આ કિરીટ પટેલ પર આક્ષેપ કરી શકો. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ધિરાણ લે છે. પહેલા ખેડૂતોને આપવામાં આવતું ધિરાણ 3 લાખ સુધીનું હતું અને ત્યારબાદ પાંચ લાખ સુધીની જાહેરાત કરી મને લાગતું હતું કે, મારી રાજકોટ બેંક આટલી મોટી બેંક છે અને તાકાતવાળી બેંક છે તો હું પાંચ લાખ ધિરાણ આપવાની શરૂઆત કરી દઈશ પણ મને ગૌરવ છે કે, રાજકોટ બેન્ક કરતાં એડવાન્સ જઈને કિરીટ પટેલે આ નેતૃત્વ કર્યું છે.  
 
સમાજની વાત આવે ત્યારે જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે જવાબદારી કાયમી માટે લીધી છે. વિસાવદર, ભેંસાણ નહીં પરંતુ આખા જુનાગઢ જિલ્લામાં સમાજના ભવનો બન્યા છે, તેમાં સુરતથી અનેક લોકોએ યોગદાન આપ્યું છે. એકપણ સમાજ ભવનનો કાર્યક્રમ એવો નહીં હોય કે જેમાં મારી અથવા તો કિરીટ પટેલની હાજરી ન હોય. છ દિવસ પહેલાં જ તેમની ટિકિટ ફાઇનલ થઇ છે. બે વર્ષ પહેલા અમે કાર્યક્રમમાં ગયા હતા ત્યારે એમનું લડવાનું નક્કી નહોતું. કાર્યક્રમમાં જઈએ છીએ તો ખાલી હાથે નથી અવાતું. ત્રણ કલાક હાજરી આપીએ છીએ ત્યાં બેસીએ છીએ, હાર પહેરાવે, સાલ ઓઢાડે પરંતુ ત્યાંથી ખાલી હાથે પરત નથી અવાતું. અમે પાછા આવીએ ત્યારે અમને જ ખબર પડે છે કે કાર્યક્રમ અમને કેટલાનો પડ્યો અને કિરીટ પટેલે સમાજની અંદર વ્યક્તિગત યોગદાન આપ્યું છે.  
 
હરીફ પક્ષના ઉમેદવાર જે લડવા આવ્યા છે તેની એક પણ એવી વાત બતાવો કે, તેમને અહીંયા કામગીરી કરી છે કે પછી એમના પક્ષે સમાજ માટે કોઈ કામગીરી કરી છે. મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળી રહ્યો છે ત્યારે મને પણ ભરોસો છે. કારણ કે હું એક વિધાનસભા સંભાળી રહ્યો છું. આ વિધાનસભાની જવાબદારી હું સંભાળું છું અને કિરીટ પટેલના રથને કોઈ રોકી શકે તેમ નથી. 


 

(3:13 PM IST)