<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

શંખેશ્વરના પંચાલ પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કેનાલમાં પડતું મૂકીને સામુહિક આપઘાત કરી લેતા ચકચાર :એક પછી એક ત્રણ મૃતદેહ મળ્યા

ધર્મેશ પંચાલે કેનાલ નજીક કાર મૂકીને પત્ની અને પુત્ર સાથે પાણીમાં પડતું મૂક્યું: સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારે જીવવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ કેટલાક લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાંખી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાલ પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કેનાલમાં પડતું મૂકીને સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શંખેશ્વરમાં રહેતા અને ફેબ્રિકેશનના ધંધાર્થી ધર્મેશ પંચાલે (38), પત્ની ઉર્મિલાબેન (36) અને 10 વર્ષીય પુત્ર પ્રકાશ સાથે ગત શનિવારે મોડી રાતે કડી તાલુકામાંથી પસાર થતી આદુન્દ્રા નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતુ. જ્યાં ગઈકાલે જ માતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ધર્મેશ પંચાલનો મૃતદેહ આજે બાલાસર નજીકની કેનાલમાંથી મળી આવ્યો હતો. હાલ તો પોલીસે ત્રણેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મેશ પંચાલ પરિવાર સાથે કડી આવ્યા હતા, જ્યાં કેનાલ નજીક કાર મૂકીને પત્ની અને પુત્ર સાથે પાણીમાં પડતું મૂક્યું હતુ. પોલીસને કારમાંથી ધર્મેશ પંચાલે લખેલી સ્યુસાઈડ નોટ અને મોબાઈલ મળી આવ્યા છે. પોતાની સ્યુસાઈડ નોટમાં ધર્મેશ પંચાલે વ્યાજના વિષચક્રમાં ફસાઈને અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ધર્મેશ પંચાલે પરિવાર સાથે અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારે જીવવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ કેટલાક લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. તેમણે મારો ભરપુર ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે. મને સતત ટોર્ચર કરતાં હોવાથી મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

હું મરવા જઉ છું, આ પત્ર જ્યારે તમને મળશે, ત્યારે કદાચ હું દુનિયા છોડી ચૂક્યો હોઈશ. મારી સરકારને અપીલ છે કે, મારી સાથે થયું તે બીજા કોઈ સાથે ના થાય.

(5:26 PM IST)