<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

વેકેશનમાં ભારે ધસારો :એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેકોર્ડબ્રેક 2.50 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા

41થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા

નર્મદાઃ આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું છે. પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો છે. આ એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના વેકેશન કરતાં એક લાખ પંચોતેર હજાર વધુ પ્રવાસીઓ આવ્યા છે.

આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે વેકેશનના અંતિમ શનિ-રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે.

છેલ્લા મહિના વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ આવ્યા છે. જો કે, 41થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એકવાર આવે જેવો વારંવાર આવવાનું મન થાય છે.

(8:08 PM IST)