તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
વિસાવદર પેટાચૂંટણી : 'આપ'ના ગોપાલ ઇટાલિયાનો સુરતમાં રહેતા મતદારોને વતન પહોંચાડવા અનોખો પ્રયાસ : બસ સુવિધા જાહેર
૧૯ જૂનના મતદાન પૂર્વે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર આહ્વાન કર્યું : વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સુરત સ્થિત મતદારો માટે દાતાઓના સહયોગથી વિનામૂલ્યે બસ સેવા ઉપલબ્ધ

સુરત, ૦૯ જૂન ૨૦૨૫: રાજ્યમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આગામી ૧૯મી જૂનના રોજ યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) ના નેતાઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સુરતમાં વસવાટ કરતા વિસાવદરના મતદારોને રિઝવવા માટે એક અનોખી પહેલ કરી છે.
ગોપાલ ઇટાલિયાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ મૂકીને આ જાહેરાત કરી છે. આ પોસ્ટમાં તેમણે ભાવનાત્મક અપીલ કરતા લખ્યું છે કે, "ચાલો આપણા વતનનો અવાજ વિધાનસભામાં પહોંચાડીએ."
વિસાવદર વિધાનસભા બેઠક (ક્રમાંક ૮૭) ના મતદારો, ખાસ કરીને જેઓ સુરતમાં સ્થાયી થયા છે, તેમને લક્ષ્ય બનાવીને ઇટાલિયાએ જણાવ્યું છે કે, "વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આપણા ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે સુરતમાં રહેતા મતદારોને વતનમાં જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે."
પોસ્ટમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, "૮૭- વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના સૌ મતદારોને વતનમાં જઈને ગોપાલભાઈને મત આપવા માટે વિનંતી."
ઇટાલિયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે, "આપડા વતનનો અવાજ વિધાનસભામાં પહોંચાડવા માટે ચાલો જઈએ મત આપવા." આ બસ સુવિધા દાતાઓના સહયોગથી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. જે મતદારો આ પરિવહન સુવિધાનો લાભ લેવા માંગતા હોય, તેઓને નામ નોંધાવવા માટે પોસ્ટમાં સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો છે.
આ પહેલ દર્શાવે છે કે, ઉમેદવારો મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે વિવિધ અને આકર્ષક વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે, ખાસ કરીને જે મતદારો પોતાના મૂળ વતનથી દૂર વસવાટ કરે છે તેમને મતદાનના દિવસે વતન પરત લાવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. આગામી ૧૯મી જૂને કડી અને વિસાવદર બેઠકો પર યોજાનારું મતદાન અને તેના પરિણામો આ પ્રકારના પ્રચારની અસરકારકતા નક્કી કરશે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
