News of Monday, 9th June 2025
નવસારીમાં 290 જર્જરીત ઇમારતોના માલિકોને નોટિસ ફટકારાઇ : ચોમાસા પહેલા ઉતારી પાડવા તાકીદ કરાઈ
150 જેટલી ઇમારતોના માલિકોએ સ્વખર્ચે રિપેરિંગનું કામ કર્યું અતિ જર્જરીત કેટેગરીમાં આવતી મિલકતોને માલિકો દૂર નહીં કરે, તો મહાનગરપાલિકા પોતાના સ્ટાફ દ્વારા આ મિલકતોને તોડી પાડશે.

નવસારી :આગામી સમયમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થશે જેમાં ભારે પવન સાથે વરસતા વરસાદને કારણે શહેર માં આવેલા જર્જરીત મકાનો પણ તૂટી પડવાનો ભય રહે છે એટલે આગમચેતીના ભાગરૂપે નવસારી મહાનગર પાલિકા દ્વારા જોખમી ઈમારતોના માલિકને નોટિસ પાઠવી તેને ઉતારી પાડવા તાકીદ કરી છે.
નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલી 290 જર્જરીત ઇમારતોના માલિકોને નોટિસ આપી છે. આગામી ચોમાસા પહેલાં આ ઇમારતો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના આંકડા મુજબ, 150 જેટલી ઇમારતોના માલિકોએ સ્વખર્ચે રિપેરિંગનું કામ કર્યું છે. વધુમાં, 8 અતિ જર્જરીત ઇમારતોને માલિકો અને મહાનગરપાલિકાના સહયોગથી દૂર કરવામાં આવી છે.દર વર્ષે ચોમાસા પહેલાં મહાનગરપાલિકા આવી નોટિસ આપે છે. જો કે, કેટલાક મકાન માલિકો દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાથી ચોમાસા દરમિયાન રાહદારીઓ અને આસપાસના રહેવાસીઓ માટે જોખમ ઊભું થાય છે.
મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો અતિ જર્જરીત કેટેગરીમાં આવતી મિલકતોને તેમના માલિકો દૂર નહીં કરે, તો જીપીએમસી એક્ટ હેઠળ મહાનગરપાલિકા પોતાના સ્ટાફ દ્વારા આ મિલકતોને તોડી પાડશે. ચોમાસામાં ભારે પવન અને વાવાઝોડાની સ્થિતિમાં આ જર્જરીત ઇમારતો તૂટી પડવાનું જોખમ રહેલું છે.
ભૂતકાળમાં નવસારી શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ નીચે પડતા પાડોશીઓ તેમ જ અન્ય રાહદારીઓ આબાદ બચાવ થયો હતો ત્યારે આવી જોખમી ઈમારતો ક્યારેક મોટી આફત સર્જી શકે છે જે મામલે મહાનગરપાલિકાએ એક્શન પ્લાન બનાવી આવા ઈમારતોના માલિકો સામે કડક પગલાં લઈ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
