News of Monday, 9th June 2025
ગ્રામ પંચાયત ચૂંટણી : ૨૨ જૂને મતદાન, કર્મચારીઓને મતાધિકાર માટે સમયમાં છૂટછાટ આપવી ફરજિયાત – રાજ્ય ચૂંટણી આયોગનો નિર્દેશ
૮,૩૨૬ ગ્રામ પંચાયતોમાં યોજાશે ચૂંટણી : બેંકો, રેલવે, હોસ્પિટલો સહિત રવિવારે કાર્યરત આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સામાન્ય વહીવટી વિભાગની તાકીદ

ગાંધીનગર : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે તાજેતરમાં ૨૨ જૂન, ૨૦૨૫ રવિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓની અંદાજે ૮,૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં મતદારો અને કર્મચારીઓ તેમના મતાધિકારનો પૂરતો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે, કચેરીઓમાં યોગ્ય સુવિધા અને સમયમાં છૂટછાટ ઉપલબ્ધ કરાવવાની રહેશે, તેમ સામાન્ય વહીવટી વિભાગની યાદીમાં જણાવાયું છે.
કર્મચારીઓને મતદાન માટે મળશે છૂટછાટ:
કર્મચારીઓ અને તાલીમ વિભાગના પર્સનલ, પીએજી અને પેન્શન મંત્રાલયની તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૦૧ની માર્ગદર્શિકા મુજબ, વિવિધ સંસ્થાઓમાં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમ કે બેંકો, એલઆઇસી વગેરેના કર્મચારીઓ જો તેઓ વાસ્તવિક મતદારો હોય અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા ઇચ્છતા હોય તો તેમનો મતાધિકાર સુનિશ્ચિત થાય તે માટે સેવા સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને મતદાન માટે યોગ્ય છૂટછાટ આપવાની રહેશે. આ છૂટછાટોમાં મતદાન કરવા માટે ઓફિસમાં મોડા આવવાની છૂટ, ઓફિસથી વહેલા નીકળવાની છૂટ અથવા થોડા સમય માટે મતદાન માટે ગેરહાજર રહેવાની છૂટનો સમાવેશ થાય છે.
રવિવારે કાર્યરત સંસ્થાઓ માટે વિશેષ વ્યવસ્થા:
સામાન્ય રીતે રવિવારના દિવસે રાજ્ય સરકારની મોટાભાગની કચેરીઓ બંધ રહે છે. જોકે, કેટલાક વિભાગો અને સંસ્થાઓ જેમ કે ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો, સહકારી બેંકો, રેલવે, ટેલિફોન, પોસ્ટ કચેરીઓ, દુકાનો, વેપારિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ તથા અન્ય આવશ્યક સેવાઓ આપતી સંસ્થાઓ રવિવારના રોજ પણ કાર્યરત રહેતી હોય છે. આ તમામ સંસ્થાઓના કર્મચારીઓને પણ લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ શકે તે માટે મતદાન કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ નિર્દેશનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ કર્મચારી તેના મતાધિકારથી વંચિત ન રહે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
