તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
વડોદરામાં જળ શક્તિ અભિયાનનો ભારે વિરોધ : ભાજપના નેતાઓને કારેલીબાગમાં સ્થાનિકોના ઉગ્ર રોષનો કરવો પડ્યો સામનો : 'પાણી ભરાય ત્યારે ક્યાં હો છો?' ના આક્રોશભર્યા સવાલો
'વોટ લેવા આવો ત્યારે દોડી દોડી આવો છો, પછી કોઈ ફરકતું નથી' - મહિલાઓનો ગર્ભિત આક્ષેપ : કોર્પોરેટર બંદિશ શાહે વીડિયો પુરાવા સાથે આપ્યો બચાવ, પણ સ્થાનિકોનો રોષ યથાવત : પ્રજા પીવાના પાણીથી પણ વંચિત!

વડોદરા : વડોદરા શહેરમાં આજે સોમવારે એક વિરોધાભાસી ચિત્ર જોવા મળ્યું. જ્યાં એક તરફ ભાજપ દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, ત્યાં જ બીજી તરફ સ્થાનિક રહીશોએ પાણી ભરાવાની સમસ્યા અને નેતાઓની કથિત બેદરકારીને લઈ ભાજપના અગ્રણીઓને ઉગ્ર રોષનો સામનો કરાવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં 'સ્પોન્જ પોન્ડ'ના ઉદ્ઘાટન અને 'હોમ કમ્પોસ્ટ કીટ' વિતરણ માટે ઉપસ્થિત રહેલા ભાજપના નેતા મનોજ પટેલ (મંછો) અને કોર્પોરેટર બંદિશ શાહ સમક્ષ સ્થાનિકોએ પોતાના આક્રોશ ઠાલવવામાં કોઈ કસર છોડી નહોતી.
જળ શક્તિ કાર્યક્રમમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ:
આજે કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં ભાજપ દ્વારા આયોજિત જળ શક્તિ અભિયાનના કાર્યક્રમ દરમિયાન, સ્થાનિકોએ કોર્પોરેટર બંદિશ શાહ સહિતના ભાજપના નેતાઓને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી. રહીશોનો મુખ્ય મુદ્દો એ હતો કે આ વિસ્તારમાં વરસાદી ગટરની પાઈપો ચોકઅપ થઈ ગઈ છે અને તેની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના પરિણામે વરસાદમાં પાણી ભરાઈ જાય છે.
"વોટ લેવાના હોય ત્યારે બધા દોડી દોડી આવે છે..."
સ્થાનિકોએ નેતાઓને સીધેસીધું સંભળાવતા જણાવ્યું કે, "જ્યારે વરસાદનું પાણી ભરાય છે ત્યારે કોઈ જોવા આવતું નથી, અને આજે ઉદ્ઘાટન માટે અહીંયા આવ્યા છો તે યોગ્ય નથી." સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "જ્યારે વરસાદનું પાણી આવે છે ત્યારે બધાનું અનાજ બગડે છે. પાછળથી ગટરનું પાણી આવે છે અને આગળથી વરસાદનું પાણી. વોટ લેવાના હોય ત્યારે બધા દોડી દોડી આવે છે, પણ પછી કોઈ ફરકતું નથી." તેમણે એ પણ ઉમેર્યું કે, બે દિવસ અગાઉ જ ડ્રેનેજ લાઈન બંધ થઈ હતી અને પાણીનો નિકાલ થતો ન હતો, છતાં કોઈએ દરકાર લીધી નહોતી.
કોર્પોરેટર બંદિશ શાહનો બચાવ:
સ્થાનિકોના રોષ સામે કોર્પોરેટર બંદિશ શાહે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, "સ્થાનિકોના આક્ષેપો સામે મારી પાસે વીડિયો છે કે મેં જાતે આવીને રાત્રે દોઢ વાગ્યે સફાઈ કરાવી છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે સતત પ્રયત્નશીલ છે અને ચોમાસા સમયે પણ કામગીરી કરી છે. શાહે દાવો કર્યો કે, "તેઓ કહે છે કોઈ નથી આવતા પરંતુ મારી પાસે અહીંયા આવવાના પુરાવા છે. આ પ્રયત્ન તેઓના માટે જ કરીએ છીએ અને અહીંયા બે ચેમ્બર પણ બનાવવામાં આવી છે. અમારો પ્રયાસ છે કે અહીંયા પાણી ભરાય નહીં."
જોકે, શહેરમાં આવેલા પૂર સમયે ભાજપના નેતાઓ પ્રજાની મદદ માટે આવ્યા નથી અને કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવી ફરિયાદો અગાઉ પણ અવારનવાર ઉઠી હતી. આજના કાર્યક્રમમાં થયેલી ઉગ્ર રજૂઆત દર્શાવે છે કે જળભરાવની સમસ્યા અંગે સ્થાનિકોમાં હજુ પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને પ્રજાજનો તેમની સમસ્યાઓના કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
