<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ભાણ્યો ૫ વર્ષથી મામીને ફેરવતો હતો, સાથે જ દીકરીને જાળમાં ફસાવી

ભાંડો ફૂટતાં કરુણ અંજામઃજૂની સેલટેક્ષની અવાવરુ ઓરડીમાં એક મહિલાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી

દાહોદ,તા.૯

દાહોદ શહેરથી થોડે દૂર આવેલા ગામમાં એક મહિલાની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા કેસમાં ખુદ ભાણેજે જ મામીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પરંતુ હત્યા પાછળનું કારણ અને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો, રળીયાતી ગામે ઇન્દોર દાહોદ તરફ આવતા હાઇ-વે રોડની બાજુમાં જૂની સેલટેક્ષની અવાવરુ ઓરડીમાં એક મહિલાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.

પોલીસ તપાસમાં મૃતક મહિલા પાસે નાનું પર્સ પોલીસને હાથે લાગ્યું અને મળી એક ચિઠ્ઠી હતી. જેમાં એક વાહન રજિસ્ટરનો નંબર લખેલો હતો. જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા વાહન માલિક સુરેશ પરમારનું નામ સામે આવ્યું, જે મૃતક મહિલાના પતિ છે. તપાસ કરતાં મૃતક મહિલા વર્ષા બેન ઉર્ફે લીલાં બેન સુરેશભાઈ પરમાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. મૃતક મહિલા તેના પૂરા પરિવાર સાથે મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી રહે છે અને છૂટક નાની મોટી મજૂરી કરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મૃતકના પતિને બનાવ બાબતે જાણકારી આપતા સુરેશ પરમાર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા મધ્ય પ્રદેશથી લઈને દાહોદ સુધીમાં ૧૦૦થી વધુ CCTV તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં મહિલા કોઈ અજાણ્યા પુરુષ સાથે મોટર સાયકલ પર આવી રહી હતી. જે મોટર સાયકલનો નંબર અધૂરો હતો પણ મોટર સાયકલ મોડેલ સ્પષ્ટ હોવાથી મોટર સાયકલ શો રૃમ પર વધુ તપાસ હાથ ધરવામાં આવી અને દાહોદ નેત્રમ કમાન્ડ કંટ્રોલ ખાતેથી પણ વધુ તપાસ હાથ ધરતા મોટર સાયકલ ચાલક સાથે ફોટો મળી આવતા જે આધારે મોટર સાયકલ માલિકની તપાસ હાથ ધરાઈ અને મોટર સાયકલ માલિકની પૂછપરછ કરાતા તેણે પોતાની મોટરસાયકલ પ્રવિણ ભાઈ જવાનસિંહ પોમાણી જેઓ દાહોદ જિલ્લાના ખરોડ ગામના કાકરી ડુંગરી ફળિયા ખાતેના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ દ્વારા પ્રવિણ ભાઈ જવાનસિંહ પોમાણીની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપી ભાણેજ તૂટી પડ્યો હતો અને પોલીસ સામે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં આરોપી ભાણેજ પ્રવિણ અને મૃતક મામી વર્ષા બંને વચ્ચે છેલ્લા ૫ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તેવામાં જ છેલ્લા ૫ માસથી મામી વર્ષાની છોકરી સાથે પણ પ્રેમની વાતો કરતો હતો. જેમાં આ છોકરીના પ્રેમ બાબતે મામા અને મામીને ખબર પડતાં મામી દ્વારા તેના પ્રેમી ભાણેજને ઠપકો આપી છોકરીને છોડી દેવાની વાત કરી હતી. જો તેમ નહીં કરે તો તેઓ વચ્ચેની તમામ વાતો બધાને જણાવી દઈ અને જેલમાં પૂરાવી દેવાની તેમજ મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જે બાદ ભાણેજે મામીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. ૪ જૂનના રોજ બંને જણા માંગણું કરી પરત ઝાબુઆ જતી વખતે આરોપીએ મામીને વહેલી સવારે *તું ઝાબુઆ કલ્યાણપુરા ચોકડી પર આવી જજે આપણે ફરવા જઈશું* તેવી કહ્યું હતું.૦૫ જૂનના રોજ વહેલી સવારે ૬ વાગ્યે આરોપી તેના ઘરેથી નીકળી આશરે ૭.૩૦ કલાકે સવારે ઝાબુઆ કલ્યાણપુરા ચોકડી પરથી પ્રેમિકા મામીને બેસાડી મધ્ય પ્રદેશના પીટોલ બજારમાં ગયેલ ત્યાંથી આરોપી દ્વારા એક દુકાનમાંથી ચાકુ લઈને પોતાની પાસે સંતાડી દીધું અને દાહોદની આસપાસના ગામડાઓમાં અનાજ માંગવા ફર્યા. રાત્રે દાહોદ હાઇવે ખાતે જૂની સેલટેક્ષની અંદર બેસી રહી પ્રેમની વાતો કરતા રહ્યા. મોડી રાત્રે ત્યાં જ સૂઈ ગયા હતા. આશરે રાત્રિના ૩ વાગ્યાના આસપાસ આરોપીએ પોતાના પ્લાનને અંજામ આપ્યો અને મામીના ગળાના ભાગે ચાકુથી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ચાકુ ઝાડીમાં ફેંકી મોટર સાયકલ લઈને ત્યાંથી ફરાર થયો હતો. બનાવ અંગે પોલીસ દ્વારા આરોપીને માત્ર ૩૬ કલાકમાં ૧૦૦થી વધુ CCTVની તપાસના આધારે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલાયો છે.

(10:24 PM IST)