તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
ચિલોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ. ૧.૧૦ લાખની લાંચ લેતા ACBની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયો!
પ્રોહિબીશનના ગુનામાંથી નામ કાઢવા માટે ૩ લાખની માંગણી બાદ રકઝકના અંતે લાંચ લેવાનો પ્રયાસ : જાગૃત નાગરિકની ફરિયાદ આધારે ગાંધીનગર ACBની સફળ કાર્યવાહી

ગાંધીનગર, 10 જૂન ૨૦૨૫: ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનનો એક પોલીસ કોન્સ્ટેબલ રૂ. ૧.૧૦ લાખની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) ના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ગાંધીનગર ACB એ આજે આ સફળ ટ્રેપ ગોઠવી હતી.
બનાવની વિગત અનુસાર, ફરિયાદીના પતિનું નામ ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના એક ગુનામાં ખુલ્યું હતું. ગત તા.૦૨/૦૬/૨૦૨૫ ના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ફરિયાદીના ઘરે તેમના પતિને પકડવા માટે ગયા હતા અને તેમને 'વોન્ટેડ' હોવાનું જણાવી પોલીસ સ્ટેશન હાજર થવા જણાવ્યું હતું.
આથી, ફરિયાદી તેમના વકીલ મિત્ર સાથે ચિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રોહિબીશનના ગુનાની તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ રબારીને મળીને પોતાના પતિનું નામ ખોટી રીતે ખોલવામાં આવ્યું હોવા અંગે વાતચીત કરી હતી અને ખોટી રીતે હેરાન પરેશાન ન કરવા વિનંતી કરી હતી. જમાદાર વિષ્ણુભાઈ રબારીએ ફરિયાદીને આરોપી પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને મળી લેવા જણાવ્યું હતું.
ફરિયાદી અને તેમના વકીલ મિત્રએ યુવરાજસિંહ નારુકા (પોલીસ કોન્સ્ટેબલ, બ.નં.૧૫૧) ને મળતા, તેણે ફરિયાદીના પતિનું નામ પ્રોહિબીશનના ગુનામાંથી કાઢી નાખવાના બદલામાં સૌ પ્રથમ રૂ. ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી સાથે લાંબી રકઝકના અંતે રૂ. ૧,૧૦,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું.
પરંતુ, ફરિયાદી લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી, તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, આજે તા. ૦૯/૦૬/૨૦૨૫ ના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનની સામેના ભાગે, ગાંધીનગર તરફ જવાના સર્વિસ રોડ ઉપર આવેલા જાહેર માર્ગ ઉપર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લાંચના છટકા દરમિયાન, આરોપી યુવરાજસિંહ નારુકાએ ફરિયાદી પાસેથી લાંચના રૂ. ૧,૧૦,૦૦૦/- ની માંગણી કરી અને સ્વીકારતા જ તેને એ.સી.બી. દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. રિકવર કરાયેલી રકમ રૂ. ૧,૧૦,૦૦૦/- છે.
આ સમગ્ર કાર્યવાહી એ.સી.બી. ફિલ્ડ-૩ (ઇન્ટે) અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. બારોટ, મદદમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. મહેતા અને સુપરવિઝન અધિકારી તરીકે ઇ.ચા.મ.નિ. એસ.એન. બારોટ દ્વારા કરવામાં આવી હતી. આ સફળ ટ્રેપ ઓપરેશનથી પોલીસ દળમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો દાખલો બેસાડવામાં આવ્યો છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
