<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી : CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૧૦ હજારથી વધુ યોગપ્રેમીઓ જોડાશે

'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ મળશે : યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના માર્ગદર્શન સાથે 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' થીમ પર કાર્યક્રમ

અમદાવાદ, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: વિશ્વ યોગ દિવસ-૨૦૨૫ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલે, ૧૧ જૂનના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૫:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન યોજાનાર આ શિબિર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે.
સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત આ વિશેષ યોગ શિબિરમાં આશરે ૧૦ હજારથી વધુ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં સહભાગી થયેલા યોગપ્રેમીઓને યોગના પ્રાચીન જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપશે. આ અવસરે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
યોગ દ્વારા શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને 'મેદસ્વિતા મુક્ત ગુજરાત'
આ યોગ શિબિરનો મુખ્ય હેતુ યોગ દ્વારા સમાજને શારીરિક, માનસિક અને આત્મિક આરોગ્ય તરફ પ્રેરિત કરવાનો તેમજ યોગને જીવનશૈલી બનાવીને વ્યક્તિ અને સમાજને તંદુરસ્ત તથા સુખમય બનાવવાનો છે. શિબિરમાં યોગના પ્રખર નિષ્ણાતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો માટે માર્ગદર્શન આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની "મન કી બાત" માં યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સમગ્ર દેશની જનતાને સંદેશ આપ્યો છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પણ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. આ શિબિર આ અભિયાનને પરિપૂર્ણ કરવામાં એક સશક્ત પગલું સાબિત થશે. 'વિશ્વ યોગ દિવસ'-૨૦૨૫ની થીમ "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ" ને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. અમદાવાદના મહત્તમ નાગરિકો, યુવાનો, વડીલો અને યોગપ્રેમીઓને આ યોગ મહોત્સવમાં જોડાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(5:19 PM IST)