તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
5G ના યુગમાં 2G ,3G નેટવર્ક મેળવવા માટે ના પણ ફાંફા: સાગબારા ડેડીયાપાડા અને નેત્રંગ તાલુકામાં BSNL ના અનેક ટાવરો શોભાના ગાંઠિયા સમાન
પ્રસિધ્ધ યાત્રાધામ દેવમોગરા સહિત ગંગાપુર, ખૈડીપાડા સહિત આજુબાજુના વિસ્તારોના અનેક ટાવરો બંધ હાલતમાં:તાલુકા મથક સાગબારા ખાતે 3જી નેટવર્ક ચાલે છે તે પણ ગોકુળ ગાયની ગતિએ તો અહીં 5જી ટાવરનું ઈન્સ્ટોલેશન ક્યારે થશે: અનેકો વખત રજૂઆત કરવા છતાં આદિવાસી વિસ્તારોમાં સરકારી બીએસએનએલ નેટવર્ક ટાવરો પ્રત્યે બેદરકારી કેમ ?

( ભરત શાહ દ્વારા )નર્મદા : ભરૂચ અને નર્મદા જિલ્લામાં અધિકારીઓની બેદરકારીના પગલે ઠેર ઠેર ઉભા કરાયેલા BSNLના ટાવરો બંધ હાલતમાં જોવા મળી રહયા છે. જેને કારણે ગ્રાહકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ના છૂટકે ગ્રાહકો ખાનગી નેટવર્ક તરફ વળી રહ્યા છે, સરકારી BSNLની સેવાઓ ગ્રાહકોને મળતી ન હોવાના કારણે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. અને તેમાં પણ ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે તૈયારીઓ કરતા ઉમેદવારો ઇન્ટરનેટની સુવિધાઓ ન મળતા રઝળી રહયા છે.
સાગબારા તાલુકાના દેવમોગરા, પાટ અને ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર, માલ સામોટ, સિંગલોટી સહિતના અનેક ગામોમાં ઉભા કરાયેલા BSNLના ટાવરો શોભાના ગાંઠિયા સમાન છે. જેના કારણે ઈન્ટરનેટ સુવિધાઓ ઉપલબ્ધ ન થવાના કારણે ગ્રાહકો એ સેવાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આજે દેશમાં 5G યુગ શરૂ થયો છે ત્યારે અહીં 2G, 3G નેટવર્ક ના પણ ફાંફા પડી રહયા છે. જેમાં અધિકારીઓની કામગીરીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે.
સાગબારા ડેડીયાપાડા નેત્રંગ જેવા આદિવાસી વિસ્તારમાં BSNL નેટવર્ક ના ધાંધિયા જોવા મળી રહયા છે. અહીં પણ માત્ર 2G ,3G નેટવર્ક ગોકળગાય ગતિએ કામ કરે છે જ્યારે કે અન્ય ખાનગી કંપનીઓના નેટવર્ક 5G સેવાઓ આપી રહી છે. ત્યારે સરકારી ટેલિકોમ કંપનીના અધિકારીઓ સરકારની ડિજિટલ ઇન્ડિયાના સપનાઓ ઉપર પાણી ફેરવી રહયા હોય તેમ લાગી રહ્યું છે. ગ્રાહકો ઈન્ટરનેટ સુવિધાઓ સાથે પોતાના સિમ રિચાર્જ તો કરાવે છે પરંતુ ઈન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ ન થતા રિચાર્જ ના પૈસા વેડફાઈ જાય છે. સરકાર ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકીને લોકોને ડિજિટલ માધ્યમ તરફ વાળવા પ્રયાસો હાથ ધરે છે પરંતુ અધિકારીઓની લાપરવાહી ના પ્રતાપે લોકોને સેવાઓથી વંચિત રહેવું પડે છે.
દેવમોગરા, ખૈડીપાડા સહિતના અનેક ટાવરો છે કે જયાં હજી સુધી 5g ઈન્સ્ટોલેશન થયા નથી. તાલુકા મથક સાગબારા ખાતે પણ માત્ર 3g નેટવર્ક ચાલે છે , જે પણ છાશવારે બંધ થઈ જાય છે. ભરૂચ ખાતેના ઉચ્ચ અધિકારીઓ નર્મદા જિલ્લામાં આવેલા બીએસએનએલ ના ટાવરોનું કોઈપણ પ્રકારનું ધ્યાન રાખતા નથી. ભૂતકાળમાં અનેકો વખત નર્મદા જિલ્લામાં આવેલા સાગબારા અને ડેડીયાપાડા તાલુકાઓમાં ઉભા કરાયેલા બીએસએનએલ ના ટાવરોનું 5g માં કન્વર્ટ કરી ઈન્સ્ટોલેશન કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ પોતાની એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવા માંગતા નથી.ત્યારે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે તૈયારીઓ કરતા ઉમેદવારો બીએસએનએલ ની સસ્તી ઇન્ટરનેટની સુવિધાઓ ન મળતા રઝળી રહયા છે.અને કેટલાક ના છૂટકે મોંઘાભાવની ખાનગી નેટવર્ક કંપનીઓ તરફ આકર્ષિત થઈને બીએસએનએલ ના નંબરો ખાનગી કંપનીઓમાં પોર્ટ કરાવે છે.
નર્મદા કલેકટર કચેરી ખાતે ઘણીવાર જિલ્લામાં બીએસએનએલ સહિત અન્ય ખાનગી કંપનીઓ પોતાનું નેટવર્ક સુધારે તે માટે મિટિંગ નું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ત્યારબાદ તેના પર કોઈ અમલ કરવામાં આવતો હોય તેમ અહીંની પરિસ્થિતિ જોતા લાગતું નથી. ત્યારે સરકારી એક માત્ર બીએસએનએલ મોબાઈલ કંપની દ્વારા સાગબારા ડેડીયાપાડા અને નેત્રંગ તાલુકામાં 5g નેટવર્ક સુવિધાઓ લોકોને ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
