News of Thursday, 12th June 2025
ગુજરાતના અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો ૧૫ જૂનથી ૪ મહિના માટે બંધ
વન્યજીવોના પ્રજનનકાળ અને ચોમાસાની સ્થિતિને કારણે નિર્ણય : ૧૬ ઓક્ટોબરથી પુનઃ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે : ઓનલાઈન બુકિંગ પણ બંધ

ગાંધીનગર, [જૂન ૧૨, ૨૦૨૫]: ગુજરાતમાં પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવ જોવા ઇચ્છતા પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આગામી ૧૫ જૂન, ૨૦૨૫ થી ચાર મહિના માટે એટલે કે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ નિર્ણય દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુ અને વન્યજીવોના પ્રજનનકાળને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઈઓ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ રસ્તાઓ ખરાબ થવા જેવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. આ ઉપરાંત, આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોય છે. આવા સમયે માનવીય અવરજવરથી તેમના પ્રજનનમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, વન વિભાગ દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ફરીથી ચાલુ કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી. પ્રવાસીઓને આ બાબતની ખાસ નોંધ લેવા અને સહકાર આપવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
