<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સંઘપ્રદેશ દમણમાં હવેથી હેલ્મેટ પહેરવું ફરજિયાત

વાહન ચાલકની સાથે બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે : પ્રથમ વખત હેલ્મેટ વિના પકડાતા વાહનચાલકોને સ્થળ પર જ 1000 રૂપિયાનો દંડ

અમદાવાદ :રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં હવેથી હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ ગયું છે. હેલ્મેટના કાયદાનો દમણ પોલીસ દ્વારા કડક અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે. હેલ્મેટ ન માત્ર વાહન ચાલકને પરંતુ બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત હેલ્મેટ વિના પકડાતા વાહનચાલકોને સ્થળ પર જ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ જો વારંવાર નિયમોનો ભંગ કરે તો લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. 

આ કડક હેલ્મેટ ઝુંબેશ માટે છેલ્લા એક મહિનાથી દમણ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા હતા. જોકે હવેથી ફરજિયાત હેલ્મેટના અમલ શરૂ કરવામાં આવ્યો છે. ન માત્ર ચાર રસ્તા ઉપર પોલીસ જવાનો દંડ ફટકાશે. પરંતુ દમણમાં 1,000 થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ જવાનો કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખશે અને હેલ્મેટ વિના દેખાતા વાહનચાલકોને ઈ મેમો પણ આપવામાં આવશે.

વાહચાલકો અને પાછળ બેસેલા લોકોની સુરક્ષાની ચિંતા માટે પોલીસ અને  પ્રશાસનના આ નિર્ણયને વાહનચાલકો અને લોકો આવકારી રહ્યા છે. ન માત્ર નિયમ અને દંડ ના ડર ને કારણે પરંતુ પોતાની અને પરિવારની સુરક્ષા માટે સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવું જોઈએ એવું સ્થાનિક લોકોનું માનવું છે. જોકે ફરજિયાત હેલ્મેટના નિયમને આવકારવાની સાથે પ્રદેશમાં રસ્તાઓની હાલત સુધારવા માટે પણ પ્રશાસનને અપીલ કરી છે. ઠેર ઠેર રસ્તા ઉપર ચાલતા કામો અને  રસ્તાઓની ખરાબ હાલતને કારણે પણ અકસ્માતો થતા હોવાથી આવા અકસ્માતો રોકવા માટે પ્રદેશમાં રસ્તાઓની હાલત સુધારવા માટે પણ વાહન ચાલકો અપીલ કરી રહ્યા છે. 

પોલીસ પણ હેલ્મેટના નિયમો કડક અમલીકરણ માટે રસ્તા ઉપર તૈનાત છે. આથી આ નિર્ણયને કારણે હવે દમણના રસ્તા પર ન માત્ર વાહન ચાલક પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિ પણ હેલ્મેટ પહેરીને કાયદાનું અમલ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  

 

(1:47 PM IST)