<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સુરતમાં ફાર્મ હાઉસમાં દરોડા: ડ્રગ્સની મહેફિલ માણતા 4 યુવતી સહિત 7 લોકોની ધરપકડ

પોલીસ દ્વારા 6 વોડકાની બોટલ, વ્હીસ્કીની 4 ખાલી બોટલ સહિત કુલ 8 બોટલ, ડ્રગ્સ અને 8 મોબાઈલ ફોન કબજે કરાયા

સુરત: શહેરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં ડ્રગ્સની મહેફીલ માણી રહેલા યુવક-યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 7 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે લગભગ બે દિવસમાં પાર્ટી પર રેડની આ ત્રીજી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસ દ્વારા આવા ગોરખધંધાઓ પર રેડ પાડવામાં આવી છે. નોંધનીય છે કે, ઉદેપુરમાં આવેલા ફાર્મ હાઉસમાં રૂપલનનાઓ બોલાવી પાર્ટી કરતાં 15 ગુજરાતીઓ ઝડપાયા બાદ આજે તલાલામાં આવેલા ફાર્મ હાઉસમાં દારુ પાર્ટી કરતાં 23 લોકો ઝડપાયા છે. જ્યારે હવે સુરતમાં યુવક-યુવતીઓની ડ્રગ્સ પાર્ટી પર રેડના સમાચાર સામે આવ્યા છે

   SMC દ્વારા શહેરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં રેડ પાડવામાં આવી હતી. એસએમસી દ્વારા ડુમ્મસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ડ્રગની મેહફીલ માણી રહેલા યુવક-યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 4 યુવતી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

   રેડ બાદ સામે આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે, પોલીસ દ્વારા 6 વોડકાની બોટલ, વ્હીસ્કીની 4 ખાલી બોટલ સહિત કુલ 8 બોટલ, ડ્રગ્સ અને 8 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. 

  ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના તાલાલામાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફીલ પર પોલીસે રેડ પાડી હતી. જ્યાં પાર્ટી માણી રહેલા 23 જેટલાં લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ દારુની બોટલ સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથના તાલાલાના ફાર્મ હાઉસમાં ફરી એક વખત ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જ્યાં તાલાલાના હડમતીયા રોડ ઉપર આવેલા "એથીઝ ફાર્મ" હાઉસમાં દારૂની મહેફીલ માણતા રાજકોટનાં 22 લોકોને તાલાલા સર્વેલન્સ સ્ટાફે ઝડપી લીધા છે  

(2:26 PM IST)