<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

વડોદરાના વાસણા રોડની શિવશક્તિ સોસાયટીમાં રહેતું દંપતી પ્લેનમાં હતું સવાર : પરિવારજનો અમદાવાદ રવાના

આ દંપતી લંડનની ફ્લાઈટ પકડવા માટે આજે સવારે જ અમદાવાદ જવા નીકળ્યું હતુ

અમદાવાદ :એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ AI-171 અમદાવાદમાં ટેક ઑફ કર્યાંની 5 મિનિટ બાદ ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઈટ મેઘાણીનગર સ્થિત બી.જે. મેડિકલ કૉલેજના રેસિડન્ટ ડૉક્ટર્સની હોસ્ટેલ પર આગનો ગોળો બનીને તૂટી પડ્યું હતુ. આ ફ્લાઈટમાં સવાર 242 પેસેન્જરો, જેમાં કેટલાક વિદેશી નાગરિકો પણ હતા, તે તમામના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યાં છે. આ ફ્લાઈટમાં વડોદરાના પણ કેટલાક મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરાના વાસણા રોડની શિવશક્તિ સોસાયટીમાં રહેતા વલ્લભ નાગજી અને તેમના પત્ની વિનાબેન ફ્લાઈટમાં લંડન જઈ રહ્યાં હતા. આ દંપતી લંડનની ફ્લાઈટ પકડવા માટે આજે સવારે જ અમદાવાદ જવા નીકળ્યું હતુ.

વલ્લભનાગજી અને તેમના પત્ની વિનાબેન દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટની સીટ નંબર 16 અને 17માં બેઠા હતા. એવામાં વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ વડોદરામાં રહેતા પરિવારના સભ્યો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ ગયા છે.

અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો અને મુસાફરોના મૃતદેહો લાવવામાં આવી રહ્યાં છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં અફરાતફરી જોવા મળી રહી છે. બીજી તરફ મુસાફરોની તલાસ માટે તેમના સ્વજનો હોસ્પિટલમાં ઉમટી રહ્યાં છે.

હાલ તો પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે વડોદરાથી NDRFની 3 ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો અમદાવાદ જવા રવાના થઈ ગયો છે.

(6:55 PM IST)