<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

રાજપીપળા નવા ફળિયામાં પાણીની લાઈન તૂટતાં 10 દિવસથી લોકો લીકેજ પાણી ઉલેચવા મજબુર

રાજપીપળામાં વોર્ડ નં 3 નવાફળીયા વિસ્તારમાં રસ્તો બનાવતા પાણી લાઇન તૂટી જતા 10 દિવસથી તે વિસ્તારના ઘરોમાં પાણી આવતું નથી. જીવન જરૂરી એવા પાણીને સ્થાનિક મહિલાઓ તૂટેલા પાણી ના ખાડામાંથી પાણી ભરે છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: જૂન મહિનો શરૂ થયો છતાં કાળઝાળ ગરમી અને ઉપરથી વરસાદ ખેંચાતા રાજપીપલા શહેરમાં પાણીની માગ ઉઠી છે, આ માંગ વચ્ચે શીતળામાતા મંદિર પાસે પાઈપલાઈન તૂટતા વોર્ડ 3 આખો પાણી નો પોકાર કરે છે બીજી બાજુ રાજપીપળા નગરપાલિકાના વોર્ડ 3 વિસ્તારના નવા ફળિયા વિસ્તારમાં નવો રોડ બનતા જૂની પાઇપલાઇનો તૂટી જવાના કારણે એક ફળિયાના 15 જેટલા ઘરોના 200 લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં પાણી નહી આવતા પાણીની જરૂરિયાત પુરી પાડવા મહિલાઓ લીકેજ પાણી જે ખાડામાં ભરાય તે ઉલેચી ઉલેચી ને વાપરે છે અને પીવાનું ખરીદીને લાવે છે. જોકે પાલિકા છેલ્લા 10 દિવસથી કામ કરે છે પરંતુ હજુ પ્રશ્ન હલ થયો નથી.
     નવાફળીયાના સ્થાનિક મહિલા કેતલબેન માછીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણીની પાઇપ લાઈન ફાટી જતા 10 દિવસ જેટલો સમય વીતવા છતાં નગરપાલિકા દ્વારા રીપેર ના કરાતા આ વિસ્તારની મહિલાઓ પાણી ના ઉભરાતા ખાબોચિયામાંથી જ પાણી ભરવા મજબુર છે, પાલિકા તરફથી માણસો ઓછા હોવાનું  જણાવાયું છે. અમારી સમશ્યા જલ્દી હલ થાય પાણી મળે એવી અપેક્ષા છે.
 નવા ફળીયા વિસ્તારમાં પાલિકા દ્વારા નવા રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ફળિયાના લોકો દ્વારા રોડ ખોદીને નવો રોડ બનાવવાની વાતે રોડ ખોદવા જતા 20 જેટલી જગ્યાઓ પર પાઇપલાઇનો તૂટી જતા આખા મહોલ્લાની લાઈનો તૂટી ગઈ એક પછી એક લાઈનો રીપેર થઇ રહી છે. બીજી બાજુ કાળીયાભૂત પાસે પાણી ની મુખ્ય લાઈન તૂટી છે. બે થી ત્રણ જગ્યાએ બોર બેસી જતા રાજપીપલા શહેરમાં પાણી ની બૂમો ઉઠી છે. વોટર્સ વર્કસના કર્મચારીઓ પાસે હાલ એક સીવે ને 4 તૂટે જેવો ઘાટ બન્યો છે ત્યારે બે દિવસમાં આ ફળીયાની સમશ્યા દૂર થશે તેમ સ્થાનિક સભ્ય એ જણાવ્યું હતું.


 

(10:41 PM IST)