News of Friday, 13th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ સહિત ઉપસ્થિતોએ કોર્ટ કાર્યવાહી પૂર્વે બે મિનિટનું મૌન પાળી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ૧૨ જૂનના રોજ થયેલી અત્યંત દુઃખદ અને આઘાતજનક પ્લેન ક્રેશની કરુણાંતિકામાં ભોગ બનેલા નિર્દોષ પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના દિવંગત આત્માની શાંતિ માટે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી હતી.
આજે, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સાથી ન્યાયાધીશો, રજિસ્ટ્રીના અધિકારીઓ તેમજ ઉપસ્થિત વકીલોએ સાથે મળીને કોર્ટની કાર્યવાહી શરૂ થતા પહેલાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ ગંભીર મૌન દ્વારા, કોર્ટે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટે તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "આ કપરા સમયે, અમારા વિચારો અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવારો અને આ ભયાનક ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સાથે છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ."
આ મૌન પાળીને, ગુજરાત હાઈકોર્ટે ન્યાયતંત્રની સંવેદનશીલતા અને માનવતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
