News of Friday, 13th June 2025
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ :ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા
ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ :અનેક મકાનો અને કંપનીઓના શેડ અને પતરા ઉડ્યા: અસંખ્ય વૃક્ષો ધરાસાઈ, કેટલીક જગ્યાએ વાહનો પણ દબાયા: વીજ લાઈનો પર વૃક્ષો પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો

હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા દર્શાવી છે. આ સાથે 15મી જૂન બાદ વરસાદનું જોર વધવાની પણ આગાહી કરી છે. તો આજે સવારથી વલસાડ, વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થયો છે. ચોમાસાના પહેલા વરસાદમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. અનેક મકાનો અને કંપનીઓના શેડ અને પતરા ઉડ્યા છે. રેનકોટ અને છત્રી બનાવતી એક મોટી કંપનીના શેડ ઉડયો છે. કંપનીમાં તૈયાર અને કાચા માલને નુકસાન પહોંચ્યું છે. સંજાણ અને આસપાસના વિસ્તારમાં પતરા અને કાટમાળ રસ્તા ઉપર પડ્યા છે. અસંખ્ય વૃક્ષો ધરાસાઈ, કેટલીક જગ્યાએ વાહનો પણ દબાયા છે. વીજ લાઈનો પર વૃક્ષો પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે ગુરૂવારે ગુજરાતના હવામાન અને ચોમાસાના આગમન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનથી વરસાદનું જોર વધશે. 14થી 17 જૂન દરમિયાન થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 24 કલાક બાદ ચોમાસાની ધરી આગળ વધવાની શકયતા છે. 48 કલાક બાદ ગુજરાતની બોર્ડર પર ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સાથે 14 જૂનના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે 13મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, જુનાગઢ, દીવ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
