<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ નિધન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરાઈ

સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈનું યોગદાન અવિસ્મરણીય, પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી - ભુપેન્દ્રભાઈ

અમદાવાદ: અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ દિવંગત નેતાના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, "સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી."

તેમણે ઉમેર્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે." વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને યાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય છે."

અંતમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદ્‌ગતના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે 'જય જિનેન્દ્ર' કહીને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

 

(3:34 PM IST)