<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી : ૧૫ જૂને ૧૨૦૦૦ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા : ૨.૪૭ લાખ ઉમેદવારો ૮૨૫ શાળાઓમાં CCTV હેઠળ પરીક્ષા આપશે

પરીક્ષાની પારદર્શિતા માટે ૮૦૦૦થી વધુ પોલીસ અને ૧૮૦૦૦થી વધુ શિક્ષણ વિભાગના અધિકારી - કર્મચારીઓ તૈનાત : બાયોમેટ્રિક વેરિફિકેશન, GPS ટ્રેકિંગ અને ST વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ ૧૨,૦૦૦ જેટલી વિવિધ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું આયોજન આગામી તા. ૧૫ જૂન, ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા પારદર્શક અને ગેરરીતિમુક્ત રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ભરતી બોર્ડ દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષાનું વિશાળ આયોજન:
જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન યોજવામાં આવેલી શારીરિક કસોટીમાં ૧૦,૭૩,૦૦૦ જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરમાં ઉત્તીર્ણ થયેલા કુલ ૨,૪૭,૮૦૩ ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપશે. આ પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની કુલ ૮૨૫ શાળાઓમાં CCTV ની સંપૂર્ણ નિગરાની હેઠળ યોજવામાં આવનાર છે. પરીક્ષા માટેના કોલલેટર તા. ૦૭ જૂન, ૨૦૨૫ થી ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે.
પારદર્શિતા અને સુરક્ષા માટે સઘન વ્યવસ્થા:
પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ભરતી બોર્ડ કટિબદ્ધ છે. આ હેતુસર ૮,૦૦૦ થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ અને ૧૮,૦૦૦ થી વધુ શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.
લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રિક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરવામાં આવશે અને રાજ્ય ભરતી કંટ્રોલરૂમ, કરાઈ ખાતેથી તેનું મોનીટરીંગ કરવામાં આવશે, સાથે જ પોલીસ એસ્કોર્ટ પણ રાખવામાં આવેલ છે.
પરીક્ષા પદ્ધતિ અને માર્ગદર્શિકા:
સરકારશ્રીના ગૃહવિભાગના તા. ૦૭/૦૨/૨૦૨૪ ના જાહેરનામા ક્રમાંક: GHG/૨૧/૨૦૨૪/MHK/૧૦૧૦/૧૩૯૩/C અન્વયેના પરીક્ષા નિયમ અનુસાર, પરીક્ષા OMR પદ્ધતિમાં હશે. તેમાં ૨૦૦ પ્રશ્નો, ૨૦૦ ગુણ અને ૩ કલાકનો સમય રહેશે. જેમાં Part-A માં ૮૦ પ્રશ્નો, ૮૦ ગુણ અને Part-B માં ૧૨૦ પ્રશ્નો, ૧૨૦ ગુણ હશે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ ૪૦ ટકા ગુણ મેળવવા ફરજિયાત રહેશે.
તમામ શહેર/જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશનરશ્રીઓ/રેન્જ વડાશ્રીઓના સુપરવિઝન હેઠળ તેમજ IGP/DIGP/SP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.
ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ અને પરિવહન વ્યવસ્થા:
પરીક્ષા સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સુધીની છે. પરંતુ, પરીક્ષા પહેલા ઉમેદવારોના બાયોમેટ્રિક/ફોટોગ્રાફ વેરિફિકેશન કરવાનું હોવાથી, કોલલેટરમાં ૦૭:૩૦ વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવેલ છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જવા હિતાવહ છે.
ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST વિભાગ) ને વિનંતી કરવામાં આવી છે, જેને ધ્યાને લઇ નિગમ દ્વારા તા. ૧૪/૦૬/૨૦૨૫ અને તા. ૧૫/૦૬/૨૦૨૫ દરમિયાન જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ ST નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વિસિસનું ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

(7:04 PM IST)