<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : મૃતકોના DNA મેચિંગ પ્રક્રિયા વેગવંતી : ૨૪ કલાક નિષ્ણાંતો કાર્યરત!

FSL અને NFSU ખાતે ૩૬ DNA નિષ્ણાંતો દ્વારા સતત પરીક્ષણો ચાલુ : અત્યંત જટિલ પ્રક્રિયા છતાં ઓળખ માટે અથાક પ્રયાસો : આંતરરાષ્ટ્રીય કંપનીઓની પણ મદદ તૈયાર

અમદાવાદ, 14 જૂન 2025: અમદાવાદ ખાતે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની ઓળખ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને NFSU (નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી) ખાતે DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. FSL ગાંધીનગરના ડિરેક્ટર એચ.પી. સંઘવીએ DNA પરીક્ષણની વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA સેમ્પલને મેચ કરાવીને કરવામાં આવી રહી છે.
તેમણે માહિતી આપી કે, અમદાવાદ અને ગાંધીનગર ખાતેની FSL તેમજ NFSUની પ્રયોગશાળામાં આ મુસાફરોના વારસદારો કે નજીકના પરિવારજનોના DNA સેમ્પલ લઈને મેચિંગની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે.
૨૪ કલાક ૩૬ DNA નિષ્ણાંતો કાર્યરત:
ડિરેક્ટર સંઘવીએ જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં DNA પરીક્ષણની ખૂબ સારી વ્યવસ્થા છે. DNA મેચિંગ પરીક્ષણ માટેની જરૂરી કિટ્સ સહિતની તમામ સાધન સુવિધાઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જેના પરિણામે, લગભગ ૩૬ DNA ના નિષ્ણાંતો દ્વારા સતત ૨૪ કલાક મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ રાખવામાં આવ્યા છે.
જટિલ પ્રક્રિયા અને પડકારો:
ડિરેક્ટર સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે પ્લેન ક્રેશ થાય છે, ત્યારે અંદર ખૂબ મોટી જ્વાળાઓ ઉત્પન્ન થાય છે જેના કારણે તાપમાન ખૂબ જ વધી જાય છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભોગ બનેલા મુસાફરોના શરીરમાં રહેલા DNA, જેના થકી ઓળખ કરવાની હોય છે, તે ખૂબ ઓછી માત્રામાં મળતા હોય છે. આ ઉપરાંત, DNA સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થતી અને અત્યંત જટિલ પ્રકારની હોય છે. જેના કારણે મૃતકની ઓળખ કરવામાં સ્વાભાવિક રીતે સમય લાગતો હોય છે.
આંતરરાષ્ટ્રીય મદદ અને સેમ્પલ કલેક્શન:
વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ કંપનીઓ પણ આ દુઃખદ ઘટનામાં DNA પરીક્ષણ માટે મદદ કરવા તૈયાર છે. આ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના સેમ્પલ કલેક્ટ કરીને તેમના વાલી વારસદારો પાસેથી ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં મૃતકના માતા, પિતા, દીકરા, દીકરીના નામ સહિતની વિગતો નોંધવામાં આવે છે.
DNA મેચિંગ માટે એક પાર્થિવ દેહમાંથી એકથી વધુ સેમ્પલ લેવામાં આવે છે. ઘણીવાર પૂરતી માત્રામાં DNA ન મળતા, વારંવાર રીપીટ કરીને પણ એનાલિસિસ કરવામાં આવે છે. આમ, આ જટિલ પ્રક્રિયામાં ૩૬ થી ૪૮ કલાક સુધી બેચવાઇઝ પરીક્ષણ કરવામાં આવે છે. ડિરેક્ટર સંઘવીએ ઉમેર્યું કે, જેમ જેમ DNA મેચિંગના પરિણામો આવે છે, તેમ તેમ તંત્રને તુરંત જાણ કરવામાં આવી રહી છે.

 

(6:28 PM IST)