News of Saturday, 14th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ડાકોરના પૂર્ણિમાબેનનો મૃતદેહ નિવાસે પહોંચ્યો
એમ્બ્યુલન્સમાં દીકરી કિંજલ માતા પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ તેમના નિવાસ સ્થાને લઈ આવતા સ્વજનો અને દીકરા મિતેષનું હૃદય દ્રાવક રુદનથી વાતવરણમાં સન્નાટો

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદ એરપોર્ટ થી ટેક ઑફ કર્યાંની માત્ર 5 મિનિટ બાદ ક્રેશ થઇ ગઇ હતી. આ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના આણંદ જિલ્લાના સૌથી વધુ યાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રહેતા અને પ્લેન ક્રેશમાં જીવ ગુમવનાર મહિલાનો મૃતદેહ એસ્કોર્ટ કારની આગેવાનીમાં એમ્બ્યુલન્સ મારફતે ઘરે આવતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ધરતી રેસિડેન્ટ્સમાં પરિવાર સાથે રહેતા પૂર્ણિમાબેન પટેલ ગત 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171માં લંડન જઈ રહ્યા હતા. જો કે પ્લેન ક્રેશ થતા પૂર્ણિમાબેન પટેલનો જીવન દીપ બુઝાઈ ગયો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા ઘરમાં માતમ છવાઈ ગયો હતો.
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થતા તેમાં સવાર એક યાત્રી સિવાય તમામ લોકોના મોત નિપજ્યા હતા અને મૃતકોના સ્વજનો પણ તેમને ઓળખી ના શકે તેવી હાલતમાં મૃતદેહ હોય મૃતકોના પરિવારના DNA કરી મૃતદેહની ઓળખ કરી તેમના સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે આજે પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ અમદાવાદથી એસ્કોર્ટ કારની આગેવાનીમાં એમ્બ્યુલન્સમાં તેમના નિવાસ સ્થાન ડાકોર ખાતે આવી પહોંચ્યો હતો
અમદાવાદથી એસ્કોર્ટની આગેવાનીમાં એમ્બ્યુલન્સમાં દીકરી કિંજલ માતા પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ તેમના નિવાસ સ્થાને લઈ આવતા સ્વજનો અને દીકરા મિતેષનું હૃદય દ્રાવક રુદનથી વાતવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો અને પરિવાર મૃતદેહ ને વળગી રડતા રહ્યા હતા. માતાની અંતિમયાત્રા માં દીકરી કિંજલે માતાને કાંધ આપી હતી. પરિવારજનો સાથે મોટી સંખ્યમાં સ્થાનિક ડાકોર વાસીઓ પણ અંતિમયાત્રામાં જોડાયા હતા અને ડાકોરની ગોમતી કિનારે આવેલ સ્મશાનમાં પૂર્ણિમાબેન પટેલને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો આ દુઃખદ પ્રંસગે કલેકટર અમિતપ્રકાશ યાદવ, એસપી રાજેશ ગઢિયા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ડાકોર ન.પા. પ્રમુખ વિપુલ શાહ તથા સભ્યો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
