News of Saturday, 14th June 2025
આગામી 5 દિવસ દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે :શુક્રવાર સુધીમાં ચોમાસાની એન્ટ્રી : પરેશ ગોસ્વામીની આગાહી
અરબ સાગરના કરંટના કારણે સોમવારથી ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે: કાલે 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતા

અમદાવાદ :દેશમાં વહેલું દસ્તક આપીને નૈઋત્યનું ચોમાસું ગત 26 મેના રોજ મુંબઈ સુધી આવીને આગળ વધતુ અટકી ગયું હતુ. એટલે કે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાના કારણે ચોમાસું થંભી જતાં છેલ્લા 2 સપ્તાહથી ગુજરાતમાં અસહ્ય ઉકળાટથી ત્રસ્ત અને પરસેવે રેબઝેબ થતાં લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી 16 જૂનથી ચોમાસું આગળ વધશે, જે 20 તારીખ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે.
આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે અરબ સાગર સક્રિય થઈ ગયો છે. અરબ સાગરના કરંટના કારણે 16 જૂનથી ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે.
મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે. જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હોવાના કારણે હવે આ ચોમાસું 16મી સક્રિય થતાં 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે.
ચોમાસું ભલે મોડું આવે, પરંતુ આવતીકાલે 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
