News of Monday, 16th June 2025
સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન : છેલ્લા 12 કલાકમાં રાજ્યના 163 તાલુકામાં ધોધમાર વરસાદ
ભાવનગરના જેસરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ : જેસરમાં 12 કલાકમાં સૌથી વધુ 10.12 ઇંચ વરસાદ ખાબકી ગયો

અમદાવાદ :છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રથી લઇ દક્ષિણ ગુજરાત સુધીના અનેક ભાગોમાં વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 163 થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમા વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરના જેસરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેસરમાં 12 કલાકમાં સૌથી વધુ 10.12 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આજે સવારે 6 થી સાંજે 6 સુધી 12 કલાક સુધી ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેસર તાલુકામાં 12 કલાકમાં સૌથી વધુ 10.12 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાલિતાણામાં 9.72 ઇંચ, સિહોરમા 9.61 ઇંચ, મહુવા(ભાવનગર) 8.54 ઇંચ વરસાદ, સાવરકુંડલા 8.27 ઇંચ, રાજુલામાં 7.20 ઇંચ, અમરેલી 5.24 ઇંચ, ગુજરાતના અન્ય 4 તાલુકામાં 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો, 7 તાલુકામાં 3 થી 4 ઇંચ, 24 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય 121 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે સાવરકુંડલા તાલુકામાં અનરાધાર મેઘમહેર જોવા મળી. સારો વરસાદ વરસી જતા ઘોબા ગામ પાસે ફલકુ અને મેરામણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. મોડી રાતથી ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ઘોબા ગામે ઘૂંટણસમા પાણી ભરાયા છે. પિપરડી, ફિફાદ અને ભમોદ્રા ગામમાં પણ વરસાદ પડ્યો હતો.
ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજાની સવારી આવી. એવુ લાગતુ હતુ જાણે કેટલાય દિવસોથી મેઘરાજા પાણી એક્ઠુ કરી રહ્યા અને આજે એકસામટુ વાદળુ ભરીને મહુવ ઉપર ઠાલવી દીધુ હોય. સિઝનના પહેલા જ વરસાદમાં જ મહુવામાં પૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પણ બાધિત થઈ રહ્યો છે. પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે બેટંગ કરી હતી. અરજણપર, નાની ધુફી, કનકપર, લાખણીયામાં ભારે વરસાદ થયો .
સુરત જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં માંડવી તાલુકાના નાભોઈ ,નાગ્રેચા પણ વરસાદ પડ્યો. બફારા બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આણંદ પંથકમાં વરસાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. આણંદ, કરમસદ, વલાસણ, રવિપુરા, બાંધણી, સોજીત્રા, પીપળાવ ચુનાવ સહિતના તમામ ગામડાઓમાં વરસાદ પડ્યો. એકાએક વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લાંબા સમયથી પડી રહેલ ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.
દ્વારકા જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. દ્વારકા જિલ્લાના 3 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેમાં ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
