<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

અમદાવાદમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા :15થી વધુ જગ્યા પર વૃક્ષ ધરાશાયી: વીજ કરંટ લાગતા એકનું મોત

ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો: મીઠાકડી અન્ડર પાસ પાણીને લઈને બંધ કરાયો

અમદાવાદમાં બપોર બાદ ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને સમી સાંજે ભારે વરસાદની શરૂઆત થઈ હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદ ખાબક્યો છે, શહેરના SG હાઈવે સેટેલાઈટ, બોપલ, આંબલી, શેલા, સરખેજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. 

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં વરસાદને પગલે  અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. જેમાં દરિયાપુરના ઈદગાહ પેટ્રોલ પંપ પાસે વરસાદી પાણી ભરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદ વચ્ચે 15 થી વધારે જગ્યા પર વૃક્ષ ધરાશાયી થયા છે. તો બીજી તરફ ઘી કાંટા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો છે.  મોટી હમામની પોળ નજીક વીજ કરંટ લાગતા એકનું મોત નીપજ્યુ છે.   ઇલેક્ટ્રીક પોલ પાસે પસાર થતા વ્યક્તિને વીજ કરંટ લાગતા મોત નીપજયું છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ, 108 અને કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. મીઠાકડી અન્ડર પાસ પાણીને લઈને બંધ કરાયો છે.

(10:27 PM IST)